'મારી દઉં હું ઘરને તાળાં, મને વહાલી મારી શાળા':નડિયાદના નાનકડા ગામની કલરફુલ શાળા, બાળકોને શિક્ષણની સાથે સફળતાનાં સાત પગથિયાંના પાઠ ભણાવાય છે

નડિયાદ17 દિવસ પહેલાલેખક: સિદ્ધાંત મહંત
  • શાળાના કેમ્પસમાં વાઘ, સિંહની પ્રતિકૃતિ સાથે પર્યાવરણની જાગૃતિ માટે ભીત ચિત્રો
  • કિચન, ગાર્ડન, તુલસીવન, ગ્રંથ મંદિર, ઔષધિબાગથી શાળાનું કેમ્પસ મહેંકી રહ્યું છે

આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ઉનાળાના વેકેશનમાં બંધ ભાસી રહેલી સ્કૂલો આજથી ફરી ધમધમવા લાગી છે. વિદ્યાર્થીઓના કિલકારીઓથી શાળા તથા કેમ્પસ ગુંજી ઉઠયું છે. ત્યારે વાત કરીશું ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામા આવેલી એક માત્ર કલરફુલ શાળા, કે જ્યાં શાળાની એક એક દિવાલ તો કલર ફૂલ છે સાથે વર્ગખંડ પણ કલરફુલ છે. તો તેની સાથે સાથે કેમ્પસ પણ એટલું જ કલરફુલ છે. વાત આટલેથી નહી અટકતા અહીંયાનું શિક્ષણ પણ એટલું જ કલરફુલ બાળકોને મળી રહ્યું છે. આ નજારો નડિયાદ તાલુકાના નાનકડા ગામ વાલ્લા ગામની પ્રાથમિક શાળાનો છે. અહીંયા માત્ર પુસ્તકિયું જ્ઞાન નહી, પરંતુ જીવન લક્ષી જ્ઞાન પણ પીરસવામાં આવી રહ્યું છે.

શિક્ષણ સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન
નડિયાદ તાલુકાના વાલ્લા ગામની વસ્તી બહુ વધારે નથી. સીઆરસી હાથજ સંલગ્ન વાલ્લા ગામની પ્રાથમિક શાળા જિલ્લા સહિત રાજ્યમાં સમાજ અને શિક્ષણ લક્ષી પ્રવૃત્તિથી જાણીતી બની છે. કલરફુલ શાળા સાથે કલરફુલ શિક્ષણ આપતી આ એક માત્ર પ્રાથમિક શાળા છે. અહીંયા દર વર્ષે બાળકોનુ શિક્ષણ સિંચનની સાથે સાથે દરેકના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે જે બાબત બતાવે છે કે અહીંયા સૂર્યના તેજને પણ ઝાંખપ અપાવી દે છે.

બાળકોમાં પર્યાવરણની જાગૃતિ લાવવા પ્રયાસ
બાળ દેવોને શાળાએ આવવું ગમે રોકાવું ગમે તે હેતુસર શાળામાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આચાર્ય જયપાલસિંહ ઝાલા અને ઉપાચાર્ય હિતેશકુમાર બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. અહીંયા શાળાના એકે એક વર્ગખંડમા ભીંતચિત્રો દ્વારા ક્યાં ગણિતની તો ક્યાંક વિજ્ઞાનની તો ક્યાંક જીવનલક્ષી, સમાજલક્ષી જાણકારી આપવામા આવી રહી છે. આટલેથી જ વાત નહીં અટકતાં કેમ્પસમાં પર્યાવરણની જાગૃતિ ને લઇ વિવિધ ચિત્રો રજૂ કરવામાં આવ્યા છે. જેથી કુમળા બાળકોમાં પર્યાવરણની જાગૃતિ આવે અને પાયાનું શિક્ષણ મેળવી શકે તેવા હેતુસર ઉપાચાર્ય હિતેશકુમાર બ્રહ્મભટ્ટે જાત મહેનત દ્વારા આ તમામ ભીંત ચિત્રો દોર્યા છે.

ગાર્ડનમાં 15 જાતના રોપાનો ઉછેર
બીજી બાજુ કેમ્પસમાં વાઘ અને સિંહની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ સાથે સાથે શાળામાં સરકાર દ્વારા પ્રેરિત કિચન ગાર્ડનમાં કુલ 15 જાતના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. ઉપરાંત અહીંયા તુલસી વનમાં લગભગ 60 પ્રકારની વિવિધ તુલસી પણ જોવા મળી રહી છે. આ સાથે સાથે અભ્યાસી બાળકોને ઉપયોગી નીવડે તે હેતુસર ગ્રંથ મંદિરનું નિર્માણ પણ છેલ્લા કેટલાય વર્ષોથી કરાયું છે. ઉપરાંત અહીંયા ઔષધિ બાગ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં વિવિધ ઔષધી વનસ્પતિના છોડનો પણ ઉછેર કરવામાં આવી રહ્યો છે. આમ કલરફુલ શાળા, કેમ્પસની સાથે સાથે શિક્ષણનુ પણ સિંચન કરવામાં આવી રહ્યું છે.

શાળામાં 6 શિક્ષક
વાલ્લા પ્રાથમિક શાળામાં આચાર્ય સાથે 6 શિક્ષકો શિક્ષણનુ ભાથુ સમાજને અર્પણ કરી રહ્યા છે. જેમાં આચાર્ય જયપાલસિંહ ઝાલા સાથે શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ, નયનાબેન બ્રહ્મભટ્ટ, પિનાકિનીબેન રામી, સેજલબેન પંડ્યા, સતીશભાઈ પટેલ અને નિર્મલભાઈ પટેલ ઉપરાંત મધ્યાહન ભોજનમા લીનાબેન પરમાર, મીનાબેન રાવળ તથા મંજુલાબેન રાવળ સારી કામગીરી કરી રહ્યાં છે.

પ્રવેશદ્વાર પર નવતર પ્રયોગ
ખેડા-આણંદ જિલ્લામાં નોખી, અનોખી અને જરા હટકે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહેલી આ શાળાના ઉપાચાર્યએ અમૃત મહોત્સવ નિમિત્તે શાળાના આકર્ષક પ્રવેશદ્વારનો નવતર પ્રયોગ કર્યો છે. જે સમગ્ર ખેડા-આણંદમાં સૌ પ્રથમ પ્રયાસ છે. પ્રવેશ દ્વાર તિરંગાનો રંગ શોભે છે. સાથે બન્ને બાજુએ ઊભેલી વિશાળ લાલ કલરની પેન્સિલ ખૂબ આકર્ષક દેખાય છે. અહીયા શાળાના સાત પગથિયાં એ બતાવે છે કે, સફળતાના સાત પગથિયાં છે. વિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને બતાવેલા સફળતાના સાત પગથિયાં સ્વપ્ન, સંકલ્પ, આયોજન, શ્રમ, શ્રમ, શ્રમ અને શ્રમ જીવનમાં સફળ થવાની અનેરી પ્રેરણા આપે છે. સાથે સાથે આ સાત પગથિયાંના સાત મેઘધનુષી રંગ પણ ખુશહાલ જીવન માટે જાણે કે મહેનત કરવાની શીખ આપે છે. આ પ્રવેશ દ્વાર પાસે જ મોટી સ્લેટ પણ છે જેમાં લખેલ સૂત્ર પણ ખૂબ જ સૂચક છે. 'મારી દઉં હું ઘરને તાળા, મને વહાલી મારી શાળા'.

શાળામાં કુલ 188 બાળક
અહીં ધોરણ 1થી 8ના વર્ગો ચાલી રહ્યા છે. જેમાં ગત વર્ષે 188 બાળકો અભ્યાસ કર્યો હતો. અહીયા માત્ર બે પાઠ્યપુસ્તક વચ્ચેનું જ્ઞાન નથી આપવામાં આવતુ. પરંતુ જીવન ઉપયોગી અને સમાજલક્ષી ઉપરાંત પોતાના સ્વાસ્થ્ય લક્ષી જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. અહીંયા સફળતા નિષ્ફળતાને કોઈ પ્રાધાન્ય આપવામાં આવતું નથી પરંતુ નિષ્ફળતા પાછળ અને સફળતા પાછળ શું જવાબદાર છે તે શીખવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમા હજારો બાળકોમાં શિક્ષણના સિંચનનુ ભાથુ પીરસી સમાજ સુધારણાનુ કામ કરી રહેલી વાલ્લા પ્રાથમિક શાળાની આ કામગીરી જોઈ શિક્ષણના ક્ષેત્રમાં મોટી છલાંગ કહી શકાય છે.

તહેવારોની અનોખી ઉજવણી
નોંધનીય છે કે, વાર તહેવારની અહીયા જરા હટકે ઉજવણી થાય છે. જેથી નવા વિચારોનુ આદન પ્રદાન થાય છે. જેમ કે રક્ષાબંધન દિવસે પાણી અને પર્યાવરણનુ જતનનો સંકલ્પ લેવાયો હતો. ગણેશોત્સવમા ઈકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ બનાવમાં આવી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આવી ઉજવણીની સાથે સાથે જીવન અમૃત એટલે કે વિવિધ પ્રકારની ઔષધીય ગુણો વાળો રસનુ રસપાન બાળદેવોને કરાવે છે.

શાળાની અનેક નવતર પ્રવૃત્તિથી રાજ્યકક્ષાએ ઝળકી
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શાળાના ઉપાચાર્ય હિતેશકુમાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે. તેઓ છેલ્લા 19 વર્ષથી શૈક્ષણિક પુતળી ખેલ દ્વારા શિક્ષણનું ભાથું સમાજમાં પીરસી રહ્યા છે. આ શાળાની અનેક નવતર પ્રવૃત્તિ રાજ્ય કક્ષાએ ઝળકી છે. શાળામાં માત્ર પાઠ્યપુસ્તક જ્ઞાન જ નથી અપાતું, પરંતુ બાળકોની જીવનલક્ષી જ્ઞાન આપવામાં આવે છે. અહીંયા દરેક તહેવારની ખાસ રીતે ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે બાળકોમાં પર્યાવરણ સંસકાર, શ્રવણ સંસ્કાર, જળ સંસ્કાર અને આરોગ્ય સંસ્કાર આપવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ ટીચિંગ લર્નિંગ મટીરીયલ (TLM) બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. વધુમાં જણાવ્યું હતું કે, શાળાના તમામ વર્ગખંડો કલરફુલ છે અહીંયાની દીવાલો બોલતી દીવાલો છે. શાળાના કેમ્પસમાં સિંહ અને વાઘની પ્રતિકૃતિ છે જે સૂચવે છે કે જીવનમાં નીડરતા સાહસિક અને પરાક્રમી બનો તેવો સંદેશ આપે છે. આમ અનોખી પ્રવૃત્તિ કરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

તસવીરોમાં જોઇએ શાળા અને ભૂલકાંની પ્રવૃત્તિઓ

અન્ય સમાચારો પણ છે...