અમદાવાદથી ગોધરા કાર લઈને જતો એક પરિવાર ખેડા જિલ્લાના મહુધાથી બલોલની વચ્ચે આજે બુધવારે વહેલી સવારે 7 વાગ્યાની આસાપાસ પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવેલી એક કારમાં બેઠેલા 5 જેટલા શખ્સોએ કારને રોકી હતી અને મહિલાનું મંગળસૂત્ર તેમજ રોકડ રકમ લઈને ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરા ખાતે દાહોદ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા અર્ચનાબેન અર્પિતભાઈ શાહ જેમનું પિયર અમદાવાદ હાટકેશ્વર થાય છે. તેમના પતિ અર્પિતભાઇ મહેશકુમાર શાહ પોતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેમને ઉનાળુ વેકેશન પડ્યું હોવાથી અર્પિતભાઇ તેમજ તેમની પત્ની અને બાળકો અમદાવાદ ખાતે વેકેશન માણવા માટે આવ્યા હતા. થોડા દિવસ રોકાયા બાદ આજે સવારે તેઓ પોતાની કાર લઈ અમદાવાદથી ગોધરા જતા હતા. જ્યાં સવારે સાત વાગ્યાની આસપાસ તેમની કાર મહુધાથી બલોલ વચ્ચે પહોંચી હતી.
તે વખતે પાછળથી આવેલી એક કારે તેમની કારને ઓવરટેક કરી આગળ ઊભી થઈ ગઈ હતી, જેથી અર્પિતભાઇને પોતાની કાર ઉભી રાખવાની ફરજ પડી હતી. અર્પિતભાઇએ જેવી પોતાની કાર ઉભી રાખી કે તરત કારમાં બેઠેલા ચારથી પાંચ જેટલા લોકો તેમની કાર તરફ ધસી આવ્યા હતા અને કારનો દરવાજો ખોલવા જણાવ્યું હતું. અર્પિતભાઇને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ લોકો કયા ઈરાદાથી આવ્યા હશે. કોઈ મદદ માટે આવ્યા હશે તેવું માનીને તેમણે દરવાજો ખોલતાં આવેલા લોકોએ કોઈ ઘાતક હથિયાર બતાવ્યું હતું. તેમની પાસે અન્ય ઘાતક હથિયારો પણ હતા, જેથી આ પરિવાર ગભરાઇ ગયો હતો. આ શખ્સોએ જે હોય તે આપી દેવાનો હુકમ કર્યો હતો અને અર્ચનાબેનના ગળામાંનુ મંગળસૂત્ર આંચકી લીધુ હતું તેમજ રૂપિયા લઈને ત્યાંથી ભાગી ગયા હતા.
ખરા સમયે જ 100 નંબરની સેવા બંધ થઈ ગઈભોગ બનેલા દંપતીએ એવો આક્ષેપ કર્યો હતો કે ઘટના પછી સવારે ગાડીનો પીછો મહુધા ડાકોર ચોકડી સુધી કર્યો હતો અને 100 નંબરની હેલ્પ લાઇન પર 5થી 7 ફોન કર્યા હતા, પણ કાંઈ રિસ્પોન્સ નહી મળતાં તેમણે મહિલા હેલ્પ લાઇનમાં પણ ફોન કર્યો હતો. પરંતુ ત્યાં પણ કોઇ જવાબ મળ્યો નહોતો. ખરા ટાઇમે જ આ હેલ્પલાઇન બંધ થઈ ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.