ખેડા જિલ્લામાં દારૂની બદીઓ વ્યાપક પ્રમાણમાં ફૂલીફાલી છે. ખેડા ટાઉન પોલીસે પોતાના હદ વિસ્તારમાંથી રૂપિયા 1.94 લાખના ઈંગ્લિશ દારૂ સાથે કુલ ચાર ઈસમો સામે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે. જેમાંથી એક બૂટલેગરને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે માલ મંગાવનાર તથા આ દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય ત્રણ ફરાર થયા છે.
ખેડા ટાઉન પોલીસે ગઇકાલે સોમવારે રાત્રે બાતમીના આધારે ખેડા તાલુકાના રઢુ ગામની સીમમાં બાબીયાની નળી વિસ્તારમાં છાપો માર્યો હતો. જ્યાં ઝાડી-ઝાંખરામાં છુપાવેલો મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ પ્રકરણમાં ત્યાં હાજર હરપાલસિંહ દાનુભા રાવલ (રહે.રઢુ, તા.ખેડા)ની અટકાયત કરી છે. સાથે સાથે અહીંયાથી ઈંગ્લીશ દારૂની 355 નંગ બોટલો કિંમત રૂપિયા 1 લાખ 94 હજાર 100 તથા ઝડપાયેલા આરોપી પાસેથી બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 1 લાખ 99 હજાર 600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે ઝડપાયેલા હરપાલસિંહ રાવલની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે રઢુ ગામના દિલીપભાઈ કાળુભાઈ સોલંકી અને નરેન્દ્રસિંહ ઉર્ફે ટોલિયો ચિનુભાઈ ગોહિલે આ માલ મંગાવ્યો હતો. તેમજ આ દારૂનો જથ્થો પૂરો પાડનારા માતરના મનીષ મુકેશભાઈ જયસ્વાલનું આ પ્રકરણમાં નામ ખુલવા પામ્યું છે. આથી પોલીસે ચાર ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.