હત્યા:મહુધાના મીનાવાડામાં દર્શન કરવા આવેલા યુવાનોએ બે સ્થાનિક યુવાનો પર હુમલો કરી એકને મોતને ઘાટ ઉતાર્યો

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બચી ગયેલ યુવાને હુમલાખોર યુવાનોના બુલેટનો નંબર નોંધી લેતા પોલીસ માટે તપાસ સરળ બની, જોકે હજુ સુધી આરોપીઓ પોલીસ પક્કડથી દૂર

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાડામાં આજે સવારે 9 વાગ્યાના અરસામાં ગામમાં રહેતા બે યુવકો સાથે દર્શન કરવા આવેલા યુવાનોએ કોઈ મુદ્દે ઝઘડો થતાં દર્શન કરવા આવેલા યુવાનોએ મીનાવાડાના યુવાનો પર જીવલેણ હુમલો કરતા એકનું મોત થયું છે. જ્યારે અન્ય એક ઘાયલ થયા છે. સાવ સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં હત્યા સુધી મામલો પહોંચતા નાના એવા ગામમાં ચકચાર મચી જવાં પામી છે. મહુધા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

મીનાવાડા-રૂપપુરા જવાના રસ્તે બનાવ બન્યો હતો
મહુધા તાલુકાના મીનાવાડામાં રહેતા 19 વર્ષીય ભીખાભાઈ ગણપતભાઈ સોઢાપરમાર અને મીનાવાડા ચરામાં રહેતા જયદીપભાઇ ગણપતભાઈ ભરવાડ ઉંમર વર્ષ 20 આજે સવારે 9:00 વાગે મળ્યા હતા અને મીનાવાડા મંદિર તરફ જતા હતા. સાડા નવ વાગ્યાની આસપાસ મીનાવાડા રૂપપુરા જવાના રસ્તે પહોંચ્યા હતા. ત્યાં ચોકડી પાસે અમદાવાદ તરફથી દર્શન કરવા આવેલા યુવાનો સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં દર્શન કરવા આવેલા યુવાનોએ પોતાની પાસેની છરી કાઢી મીનાવાડાના આ બંને યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો.

મહુધા પોલીસમાં જયદીપભાઇ ભરવાડે ફરિયાદ નોંધાવી
ભીખાભાઈ ગણપતભાઈ સોઢા પરમારને ગંભીર ઈજા થતાં તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે જયદીપભાઇને ઇજા થતાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મહુધા પોલીસમાં જયદીપભાઇ ભરવાડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે છ-સાત યુવકોએ મીનાવાડા ખાતે આવેલ ચોકડી નજીક સવારના આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં ભીખાભાઇ ગણપતભાઇ સોઢા પરમાર (રહે, મીનાવાડા)નાઓ સાથે કોઇપણ કારણોસર બોલાચાલી કરી હતી. તે યુવાનો પૈકી ગુલાબી શર્ટ પહેરેલ એક યુવાને ધારદાર ચપ્પુથી ભીખાભાઈના ડાબા હાથની હથેળી ઉપર તથા ડાબી કમરના ઉપરના ભાગે પ્રાણઘાતક ધારદાર ચપ્પુ મારી જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. જેઓને મહુધા સારવાર કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેઓનું મોત થયું હતું. તથા અન્ય યુવકોએ ઉશ્કેરણી કરી જયદીપભાઇ ભરવાડને મારી નાખવાના ઇરાદે એક ઇસમે ધારદાર ચપ્પુ મારવા જતાં જયદીપ બચાવવા માટે નીચે બેસી જતાં તેને ડાબા કાનની નીચેના ગળા ભાગે ચપ્પુ વાગી જતા ઈજા થઈ હતી.

જૂની કોઈ અદાવત કે કારણ નથી હાલમાં તપાસ ચાલુ છે
આ બનાવમાં જે વાહન ઉપર આવેલા હત્યારાના વાહનનો નંબર જયદીપએ નોંધ્યા હતા. જેમાં કાળા કલરના બુલેટ તથા કાળા કલરનુ એક્સેસ જેવુ સ્કુટર નંબર પ્લેટ વગરની હતી.આ અંગે મહુધા પોલીસ મથકના પીઆઇ દવેને પૂછતા તેમણે જણાવ્યું હતું કે દર્શન કરવા આવેલા યુવાનોએ ઝઘડો કરી હત્યા કરી છે. જૂની કોઈ અદાવત કે કારણ નથી હાલમાં તપાસ ચાલુ છે અમદાવાદ તરફના લોકોનું આ કારસ્તાન છે તેવું હાલમાં જાણવા મળ્યું છે. પોલીસ તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી રહી છે તે જોતા ટૂંક સમયમાં જ આરોપીઓ પકડાઈ જશે.

અન્ય સમાચારો પણ છે...