ખેડા જિલ્લામાં નડિયાદ બાદ આજે કઠલાલ પંથકમાં હત્યાનો ખુની ખેલ ખેલાયો છે. જેમાં યુવાનનુ ભેદી સંજોગોમાં હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે.પડોશમાં લગ્નમાં ગયા બાદ સવારે યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ લુણી વિસ્તારના ગૌચરની જમીનમાંથી મળી આવતા સનસનાટી મચી ગઈ છે. પિતાએ પરણિત દીકરાનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ જોઈ પગતળેથી જમીન સરકી ગઈ હતી. આ હત્યાના બનાવ મામલે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.
મોડી રાત સુધી નરેશ ઉર્ફે ઢીલો ઘરે આવ્યો નહોતો
કઠલાલ તાલુકાના લાડવેલ ગામે ટેકરા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય બાલાભાઈ મંગળભાઈ પરમાર પોતે ખેતી કામ કરે છે. તેમને 3 સંતાન પૈકી વચેટ સંતાન નરેશ ઉર્ફે ઢીલો (ઉ.વ.30)ની ભેદી સંજોગોમાં હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ગતરોજ પડોશમાં રહેતા ઈશાભાઈ કાંતિભાઈ બારૈયાના ઘરે લગ્નપ્રસંગ હોવાથી આ બાલાભાઈ પરમાર અને તેમના પરિવારના લોકો લગ્નપ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન બાલાભાઈનો દીકરો પણ નરેશ ઉર્ફે ઢીલો પણ અહીયા તેઓની સાથે આવ્યો હતો. બાદમાં બાલાભાઈ પરમાર અને અન્ય લોકો ઘરે આવી ગયા હતા અને મોડી રાત સુધી નરેશ ઉર્ફે ઢીલો ઘરે આવ્યો નહોતો. જેથી બાલાભાઈને લાગ્યું કે તે લગ્ન પ્રસંગવાળાના ઘરે તેના દોસ્તારો સાથે સુઈ ગયો હશે.
જોકે બીજા દિવસે એટલે કે આજે ગુરૂવાર નરેશ ઉર્ફે ઢીલાનો મૃતદેહ લાડવેલ સીમમા લુણી વિસ્તારમાં આવેલ ગૌચરની જમીનમાંથી મળી આવ્યો હતો. જેની જાણ બાલાભાઈ પરમારને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં દીકરાનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ જોતા તેઓ હેબતાઈ ગયા હતા. આ બનાવ મામલે બાલાભાઈ પરમારે અજાણ્યા વ્યક્તિ સામે કઠલાલ પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે, આ મરણજનાર યુવાન પોતે પરણિત હતો અને કોઈ વ્યક્તિએ કોઇપણ ઇરાદાથી માથાના કપાળના ભાગે તેમજ જમણી સાઈડ તથા કપાસના ભાગે કોઈપણ પદાર્થથી નરેશ ઉર્ફે ઢીલાને ગંભીર મારમારી મોત નિપજાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.