કપડવંજની સત્તર વર્ષીય કિશોરીએ ગત 7 મેના રોજ સવારે 10:15 કલાકના અરસામાં તેના ઘરે પંખે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. જે-તે સમયે બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે એડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ હવે 7 દિવસ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. એમાં દીકરીની માતાએ પડોશીઓના ત્રાસથી દીકરીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટના અંગે પડોશમાં રહેતા અને તેમના જ સમાજના ભરતભાઈ મકવાણા, તેમનાં પત્ની જયશ્રીબેન, દીકરો આકાશ અને હિમાશું વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મૃતક કિશોરીની માતાએ જણાવ્યું છે કે મારી દીકરીએ ધો. 10 પછી અભ્યાસ છોડી દીધો હતો.
વર્ષ-2021ના વર્ષમાં ભરતભાઈનો દીકરો આકાશ મારી દીકરી સામે ખરાબ નજરે જોઈ લગ્ન કરવા અંગે હેરાન કરતો હતો. આ અંગે દીકરીએ મને જાણ કરતાં હું ઠપકો આપવા જતાં ઝઘડો થયો હતો. એ સમયે ભરતભાઈ અને તેમનાં પત્નીએ કહેલું કે તમારી દીકરીને મારા દીકરા સાથે જ પરણાવવી પડશે, ગમે ત્યાં પરણાવશો તો તેને ચેનથી જીવવા નહીં દઈએ, આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
એકતરફી પ્રેમમાં પાગલ યુવકથી દીકરી કંટાળી ગઈ હતી
જોકે આ અંગે અંદરોઅંદર સમાધાન થઇ ગયું હતું અને એ સમયે આકાશે કહેલું કે હવે પછી હેરાન નહીં કરું, પરંતુ થોડા સમય બાદ ફરીથી આકાશ અને તેનાં માતા-પિતાએ અગાઉની જેમ હેરાન કરવાનું શરૂ કર્યુ હતું. જેથી દીકરીને ચાંદખેડા માસીને ત્યાં મોકલી આપી હતી. જે અંગે પણ ભરતભાઇ અને તેમનાં પત્નીએ ઝઘડો કર્યો હતો. એકતરફી પ્રેમમાં પાગલ યુવક અને તેનાં પરિવારજનોના માનસિક ત્રાસથી દીકરી એટલી તો કંટાળી ગઈ હતી કે તેણે આખરે આ દુનિયાને અલવિદા કરવાનું નક્કી કર્યું.
7 મેના રોજ સવારે માતા તેના ભાઈના સર્ટિ. લેવા માટે શાળાએ ગઈ એ સમયે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે દીકરીની માતાએ કપડવંજ ટાઉન પોલીસ મથકે આકાશ ભરતભાઈ મકવાણા, ભરતભાઈ અંબાલાલ મકવાણા, જયશ્રીબેન ભરતભાઈ મકવાણા અને નિલેશભાઇ ઉર્ફે પપ્પુ ઉર્ફે ડાટો પોપટભાઇ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ પીડિત પરિવારે સ્થળાંતર કર્યું હતું
દીકરી સાથે મોટા દીકરાને પરણાવવા પાડોશી પરિવારનો એટલો તો ત્રાસ હતો કે તેનાથી કંટાળી દીકરી અને તેની માતા સોસાયટીમાં અન્ય ઘરે રહેવા જતાં રહ્યાં હતાં. તેમ છતાં આકાશ ત્યાં પણ આંટાફેરા કરતો હતો. 6 મેના રોજ આકાશે સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવી દીકરીને મેસેજ કર્યા હતા.
આઘાતમાં સરી જતાં ફરિયાદ મોડી નોંધાઈ
ગુરુવાર મોડી રાતે કપડવંજ ટાઉન પોલીસ મથકે દીકરીની માતાએ 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બનાવથી દીકરીની માતા આઘાતમાં સરી ગયાં હતાં. એને કારણે માતા સ્થાનિક પોલીસ મથકે મોડી ફરિયાદ નોંધાવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ છે
આપઘાત અન્વયે ગુરુવારના રોજ આકાશ ભરતભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા, જયશ્રીબેન મકવાણા અને નિલેશભાઇ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ અંગેની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી યોગ્ય કરવામાં આવશે.> એ. આર. ચૌધરી, પી.આઇ., કપડવંજ ટાઉન પોલીસ
યુવકે ફેક ID બનાવી ધમકી આપી
પીડિતાને પડોશી પરિવારજનોનો ત્રાસ એટલો બધો વધી ગયો હતો કે તેઓ ઘર છોડી ભાડે રહેવા ગયાં હતાં. તેમ છતાં પડોશી યુવકે ફેક આઇડી બનાવી ધમકી આપી, એને કારણે દીકરીએ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે આરોપીઓને કડક સજા થવી જોઇએ.> હિતેન્દ્રભાઇ એચ.પરમાર, પ્રમુખ નવદીપ સોસાયટી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.