ખેડા જિલ્લાના નડિયાદ ટાઉન-પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા વુમન લોકરક્ષક કાજલબેન વીરાભાઈ દયાતર અને મહુધા પોલિસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા શિતલબેન શિવાભાઈ રાઠોડે પાવર લિફ્ટિંગ સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠ દેખાવ કરી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલ પ્રાપ્ત કર્યા છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે સિદ્ધિઓ બદલ તાજેતરમાં આ પોલીસ ખેલાડીઓનું પોલીસ વિભાગ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે.
કુલ 6 મેડલ મેળવ્યા
કાજલ દયાતરે વર્ષ 2021માં સુરત ખાતે યોજાયેલા નેશનલ પાવર લીફ્ટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેળવી એશિયા પાવર લીફ્ટિંગ ચેમ્પીયન પ્રતિયોગિતા માટે ક્વોલિફાઈડ થયા હતા. તેમણે જાન્યુ-2022માં ગોધરા ખાતે યોજાયેલ ડિસ્ટ્રીકટ પાવર લીફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ, મે-2022 સ્ટેટ પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ, સપ્ટેમ્બર- 2022માં દિલ્લી ખાતે પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને નવેમ્બર- 2022માં પુણે ખાતે આયોજિત 71મી ઓલ ઇન્ડિયા પોલીસ રેસ્લિંગ ક્લસ્ટર ચેમ્પિયનશિપની પાવર લીફ્ટિંગ રમતમાં બ્રોન્ઝ એમ કુલ 6 મેડલ મેળવ્યા છે.
સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર ફંડમાંથી સ્પોર્ટ્સ સ્કોલરશીપ અંતર્ગત રૂપિયા 4 લાખની સ્કોલરશીપ આપવામાં
પોલીસ રમતવીરોને રમત સંદર્ભે મુસાફરી, કોચિંગ, તાલીમ અને સ્પોર્ટસ કીટ વગેરે સુવીધાઓ સરળતાથી મળી શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસ વેલ્ફર ફંડમાંથી સ્પોર્ટ્સમાં નેશનલ સ્તરે રમત માટે પસંદગી પામેલા પોલીસ રમતવીરોને 1થી 5 લાખ સુધીની અને ઇન્ટરનેશનલ સ્તરે રમતમાં પસંદગી થવા બદલ 5 થી 10 લાખ સુધીની સ્પોર્ટ્સ સ્કોલરશીપ આપવામાં આવે છે. જે અંતર્ગત કાજલને તેમના પાવર લિફ્ટિંગમાં તેમના તેજસ્વી પ્રદર્શન બદલ સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર ફંડમાંથી સ્પોર્ટ્સ સ્કોલરશીપ અંતર્ગત રૂપિયા 4 લાખની સ્કોલરશીપ આપવામાં આવી છે.
પોલીસમાં જોડાઈ જનસેવા કરવાના પોતાના ધ્યેયને સિદ્ધ કરવાની લગનીથી તેઓએ સતત અને સખત પુરુષાર્થ કર્યુ
ગીર સોમનાથના વતની કાજલ દયાતર વર્ષ 2020માં પોલીસમાં જોડાયા. પોલીસમાં જોડાયા પહેલા તોઓ 10 વર્ષ સુધી ટીચીંગનો અનુભવ ધરાવે છે. પોલીસમાં જોડાઈ જનસેવા કરવાના પોતાના ધ્યેયને સિદ્ધ કરવાની લગનીથી તેઓએ સતત અને સખત પુરુષાર્થ કર્યો. અને આ જ મહેનતે તેમને પોલીસમાં નોકરી અપાવવાની સાથે સાથે પાવર લીફ્ટિંગ સ્પોટર્સના કેરીઅરમાં ઉપયોગી સાબિત થઈ છે. તેવી જ રીતે મહુધા પોલિસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા શિતલ રાઠોડે મહારાષ્ટ્રના પુણે ખાતે 2022માં આયોજિત 71મી ઓલ ઇન્ડિયા પોલીસ રેસ્લિંગ ક્લસ્ટર ચેમ્પિયનશિપમાં કુલ 152.5 કે.જીની પાવર લીફ્ટિંગ પ્રતિયોગીતામાં 87 ડેડલિફ્ટ મારી પોતાનો નેશનલ કક્ષાનો પ્રથમ સિલ્વર મેડલ મેળવ્યો.
શિતલે રાજ્ય કક્ષાની પાવર લીફ્ટિંગની 2 સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે
નોંધનીય છે કે ઓલ ઇન્ડિયા પોલીસ રેસ્લિંગ ક્લસ્ટર ચેમ્પિયનશિપમાં પાવર લીફ્ટિંગ ગેમ્સને પ્રથમ વાર જ સ્થાન મળ્યું છે જેમાં પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં પ્રથમ વાર જ ગુજરાત પોલીસના રમતવીરો શીતલ રાઠોડને સિલ્વર અને કાજલ દયાતરને બ્રોન્ઝ મેડલ મળ્યો છે જે સમગ્ર ગુજરાત પોલીસ અને ખેડા જિલ્લા માટે ગૌરવની વાત છે. શિતલે રાજ્ય કક્ષાની પાવર લીફ્ટિંગની 2 સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જેમાં અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત પાવર લીફ્ટિંગ ચેમ્પિયનશિપ-2022 પ્રતિયોગીતામાં 152.5 કે.જીની રમતમાં ગોલ્ડ મેડલ; જિલ્લા ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ 2022 માં 80 કે.જીની રમતમાં ગોલ્ડ મેડલ; જિલ્લા બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ 2022ની 25 કે.જી બેન્ચ પ્રેસમાં સિલ્વર મેડલ અને 11મા ખેલ મહાકુંભની યોગાસન સ્પર્ધામામ તૃતીય સ્થાન મેળવ્યું હતું. ઉપરાંત શિતલે પંજાબ ખાતે 71મી ઓલ ઇન્ડિયા પોલીસ વોલીબોલ ક્લસ્ટર-2022 અંતર્ગત યોગાસનમાં ભાગ લીધો હતો.
ગાંધીનગર સ્થિત ડીજી ભવનની જીમમાં અઢી મહિના સખત ટ્રેનિંગ કરી
અગાઉ કબ્બડી પ્લયેર તરીકે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ચૂકેલા મહુધા કોન્સ્ટેબલ શિતલ રાઠોડે પાવર લીફ્ટિંગ સ્પર્ધાની તૈયારી માટે ગાંધીનગર સ્થિત ડીજી ભવનની જીમમાં અઢી મહિના સખત ટ્રેનિંગ કરી હતી. આ સિવાય શિતલ રાઠોડ નિયમિત રીતે યોગાસન કરે છે અને વિવિધ પર્વતારોહણ કેમ્પમાં ટ્રેકિંગ પણ કર્યું છે. મૂળ ભાવનગર, પાલીતાણાના વિરપુર ગામના વતની શિતલ રાઠોડની પોલીસ બનવા સુધી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સફળતાના શિખરો પ્રાપ્ત કરવાની કારકિર્દી ખૂબ જ રોમાંચક છે. કોલેજમાં એનસીસી કેડેટ તરીકે સેવા બજાવનાર શિતલે એમ.કોમ માસ્ટર ડીગ્રી સુધી અભ્યાસ કર્યો છે અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 2 વર્ષ નોકરીનો અનુભવ પણ ધરાવે છે.
આર્મ રેસલિંગ માટે 3 અને પાવર લીફ્ટિંગ માટે 3 એમ કુલ 6 મેડલ મળ્યા
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022 ઓલ ઇન્ડિયા પોલીસ રેસલીંગ ક્લસ્ટર અંતર્ગત ગુજરાત પોલીસ વિભાગને આર્મ રેસલિંગ માટે 3 અને પાવર લીફ્ટિંગ માટે 3 એમ કુલ 6 મેડલ મળ્યા છે, જેમાંથી 5 મેડલ મહિલા પોલીસ રમતવીરોને મળ્યા છે. એક રમતવીર માટે તેની રમતને લઈ કોચિંગ, ડાયટ, તાલીમ, મુસાફરી સ્પોર્ટસ કીટ વગેરે પર ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. ઉપરોક્ત તમામ સુવિધાઓ સરળતાથી મળી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગના રમતવીરો માટે પોલીસ વેલ્ફર ફંડમાંથી સ્પોર્ટ્સ સ્કોલરશીપની એક વિશેષ જોગવાઈ છે. જેમાં નેશનલ સ્તરે રમત માટે પસંદગી પામેલા પોલીસ રમતવીરોને 1 થી 5 લાખ સુધીની અને ઇન્ટરનેશનલ સ્તરે રમતમાં પસંદગી થવા બદલ 5થી 10લાખ સુધીની સ્પોર્ટ્સ સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે. પોલીસ કર્મચારી તરીકે દેશની સેવા કરવાની સાથે સાથે રમત-ગમત ક્ષેત્રે પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને જિલ્લા તથા રાજ્યનું ગૈરવ બનવા બદલ કાજલબેન તથા શિતલબેનને અભિનંદન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.