આર્મી જવાનની પત્નીનો આપઘાત:નડિયાદમાં પતિના મૃત્યુ બાદ મળેલી 40 લાખની સહાય પડાવી લેવા દિયર-સાસુએ ધમકી આપતાં ફાંસો ખાધો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કઠલાલમાં પતિનું રોડ અકસ્માતમાં મૃત્યુ થતાં સરકાર તરફથી મળેલ સહાયના પૈસા અંગે અવાર નવાર ઝઘડો થતો

કઠલાલના મોતીપુરામાં રહેતી પરિણીતાએ દિયર,સાસુના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી છે. પરિણીતાના પતિ આર્મીમાં ફરજ બજાવતા હતા દરમિયાન રજા ઉપર વતન આવ્યા હતા ત્યારે રોડ અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ. જેથી સરકાર તરફથી રૂ.40 લાખ વળતર આપવામાં આવ્યુ હતુ. જે પૈસા પર દાનત બગડી દિયર અને સાસુ પરિણીતાને વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપી ધમકીઓ આપતા હતા.

પરિણીતાએ વારંવાર આ અંગે પિયરમાં જાણ કરતા પિયરીયાઓ દ્વારા સમય સાથે બધું સારૂ થઈ જશે તેમ કહી મામલો થાળે પાડતા હતા. પરંતુ દિયર અને સાસુનો ત્રાસ અસહ્ય થઈ પડતી પરિણીતાએ પોતાના ઘરે ગળે ફાંસો લીધો હતો. આ બનાવ અંગે પરિણીતાના ભાઇએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ સીયાવાડામાં રહેતા કિરણસિંહના મોટા બહેનના લગ્ન કઠલાલના મોતીપુરા ગામે ઉમેશકુમાર ઝાલા સાથે દસ વર્ષ અગાઉ થયા હતા. બહેનના પતિ ઉમેશકુમાર આર્મીમાં નોકરી કરતા હતા. ગત તા.14 જાન્યુઆરી 2020 ના રોજ પીપળીયા કમાલબંધ વાસણા વચ્ચે રોડ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. આ બાદ સરકાર તરફથી રૂ. 40 લાખ જેટલી રકમ સરકાર તરફથી સહાય અને નોકરી સમયે કરેલ બચત સાથે મળી હતી. આ પૈસા મૃતક આર્મી જવાન ઉમેશકુમારના પત્ની પિન્કીબેનના બેંક ખાતામાં જમા થયા હતા. જેના પર દિયરની નજર બગડી હતી, જેથી ખાતામાંથી પૈસા ઉપાડી આપવા અંગે શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.

પરણીતા જો પૈસા આપવાની ના પાડે તો તેની સાથે ઝઘડો કરતા હતા. વળી પરિણીતાના સાસુ પણ માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટા‌ળી જઇ પરીણીતાએ તા.29 મે ના રોજ ઘરે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. આ બનાવ અંગે પરિણીતાના ભાઇ કિરણસિંહ સરદારસિંહ પરમારે કઠલાલ પોલીસ મથકે બહેનના દિયર કિસ્મતસિંહ સોમસિંહ ઝાલા અને સાસુ વિષ્ણુબેન સોમસિંહ ઝાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

3 બાળકોના માથે માતા-પિતાનો સાયો ન રહ્યો
કઠલાલના મોતીપૂરા ગામે પિન્કીબેનના લગ્ન ઉમેશકુમાર ઝાલા સાથે દસ વર્ષ અગાઉ થયા હતા. તેમને લગ્ન જીવન દરમિયાન બે દીકરી અને એક દીકરો મળી કુલ ત્રણ સંતાનો હતા. જેમાં સૌથી મોટી દિકરી તન્નુ ઉં.08, માહી ઉં.04 અને દિકરો પૃથ્વી ઉં.2 છે. માતાએ આપઘાત કરતા ત્રણેય સંતાનો વલોપાત કરતા રહી ગયા છે.

દિયરની અટકાયત કરી જ્યારે સાસુ ફરાર
આ અંગે કઠલાલ પીએસઆઇ બી.એમ. માળીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આ બનાવમાં દિયર કિસ્મતસિંહ સોમસિંહ ઝાલાની અટકાયત કરી લીધી છે. જ્યારે સાસુ વિષ્ણુબેન સોમસિંહ ઝાલા ઘરે મળી આવ્યા ન હોવાથી ટીમ બનાવી તપાસ હાથ ધરી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

6 લાખ લઈ લીધા બાદ 10 લાખ માટે ઝઘડો
પરણિતા કંટાળી જઈ 1 લાખ ઉપાડી આપ્યા હતા. આ બાદ દિયરના લગ્ન અગાઉ કોરા ચેક ઉપર સહી કરાવવા ઝઘડો કર્યો હતો. જેથી ચેકમાં 5 લાખની રકમ ભરી આપી હતી. પછી ઇકો ગાડી લેવા અંગે 10 લાખની માંગણી કરી હતી. જો પૈસા નહીં આપુ તો ચેનથી જીવવા નહીં દઉ તેવી ધમકી આપતા હતા.

અન્ય સમાચારો પણ છે...