ખેડા જિલ્લામાં સતત બે દિવસથી ચોમાસાનો માહોલ જામતા ખેડૂતોમાં ચિંતા ના વાદળો ઘેરાયા છે. સોમવારે રાત્રે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતાં દિવેલા, ઘઉં અને તમાકુ જેવા પાકોને નુકસાન થયું હોવાનું કઠલાલ પંથકના ખેડૂતો જણાવી રહ્યા છે. જિલ્લામાં નડિયાદ, ઠાસરા, મહુધા, ગળતેશ્વર, કપડવંજ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
કાપણી કરેલા રવિ પાકને ખેતરો માંથી ઘર સુધી પહોંચાડવાની સીઝન ચાલી રહી છે. તેવા સમયે જ વરસાદી માવઠું થતા ખેતરમાં ખુલ્લી જગ્યાઓમાં પડેલા પાકોને બચાવવા માટેની ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી. ચોમાસામાં સતત વરસાદના કારણે ખરીફ પાકો નિષ્ફળ ગયો હતો. બીજી તરફ દેવાના ડુંગર નીચે દબાયેલા ખેડૂતોને રવિ પાક બહાર કાઢે તેવી આશા ઓ ઊભી થઈ હતી.
પરંતુ શિયાળામાં અને ઉનાળાના આરંભે કમોસમી વરસાદના માવઠા થતાં હિસાબો સરભર કરવા ખેડૂતો માટે મુશ્કેલ બન્યા છે. કમોસમી વરસાદને પગલે આ વર્ષે ખેડૂતો ની ગણતરી ઉંધી પડતા સમય મર્યાદામાં પાક ધિરાણ ભરવાને લઈને જગતનો તાત ચિંતિત બન્યો છે.
તમાકુ સુકવવા માટે ખેતરમાં મૂકી હતી અને વરસાદ આવ્યો
તમાકૂ તૈયાર થા બાદ પત્તા સુકવવા માટે ખેતરમાં મુક્યા હતા. હવામાન ખાતાની આગાહી હતી, પરંતુ હોળી ની સીઝનમાં વરસાદ આપશે તેવો વિશ્વાસ ન હતો. પરંતુ અચાનક રવિવાર અને સોમવાર સાંજે વરસાદ આવતા તમાકુના તૈયાર પત્તા પલળી ગયા હતા. જેના કારણે ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.> રામસિંહ પરમાર, ખેડુત, અલિન્દ્રા
ઘઉંનો પાક તૈયાર થઈ ગયો અને વરસાદે રડાવ્યાં
રવી સીઝનમાં ઘઉં નો પાક વાવ્યો હતો. છોડ ઉપર દાણા આવી ગયા હતા. અને હોળી પછીના 10 દિવસ રાહ જોવાની હતી. પણ અચાનક આવેલા કમોસમી માવઠાને કારણે મહેનત પર પાણી ફરીગયું છે. પ્રથમવાર હોળીના સમયે માવઠું આવતા ગણતરી ઊંધી પડી છે.> રમણ વાઘેલા, ખેડુત, ચલાલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.