સરપંચ સાથે માથાકૂટ:માતરના માછીયેલમાં 'તમે લાઈટના ફ્યુસ કેમ કાઢ્યા છે?' સરપંચ આટલું બોલતા જ ચાર શખ્સો ધોકા લઇને ફરી વળ્યા

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

માતરના માછીયેલ ગામે નજીવી બાબતે 4 વ્યક્તિઓએ સરપંચ સાથે માથાકૂટ કરી છે. તમે લાઈટના ફ્યુસ કેમ કાઢ્યા છે તેમ સરપંચે 4 વ્યક્તિઓને કહેતા આ લોકોએ સરપંચને ગડદાપાટુનો માર માર્યો છે. સમગ્ર મામલે સરપંચે 4 વ્યક્તિઓ સામે પોલીસમા ફરિયાદ નોંધાવી છે.

લાઈટના ફ્યુસ કેમ કાઢ્યા છે તેમ કહેતા માથાકૂટ થઇ
માતર તાલુકાના માછીયેલ ગામે રહેતા 46 વર્ષીય મનુભાઈ રાયસીંગભાઈ સોઢાપરમાર પોતે ગામમાં સરપંચ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. ગતરોજ સાંજના સાત એક વાગ્યાની આસપાસ ગામના તળાવ વાળા ફળિયાની લાઈટના વાયર શોર્ટસર્કિટ થવાના કારણે લાઈટ બંધ થઈ ગઈ હતી. તો વળી ગામના બીજા બે ફળિયાની લાઈટ ચાલુ હતી તે પણ બંધ થઈ ગઈ હતી. જેથી સરપંચ મનુભાઈએ આ અંગે જીઈબી ઓફીસને જાણ કરી હતી. સરપંચ ગામના દવાખાના પાસે આવતા ત્યાં હાજર ગ્રામજનોને પૂછતા લાઈટ કેમ બંધ થઈ ગઈ છે તો તેઓએ જણાવ્યું કે ગામના નવઘણભાઈ રામાભાઈ રાઠોડ, જૈમીનભાઈ ઉર્ફે ગટો દિનેશભાઈ સોઢાપરમાર, મહેશભાઈ પૂજાભાઈ સોઢાપરમાર અને દિનેશભાઈ ગોતાભાઈ સોઢાપરમારે લાઈટ ના ફ્યુઝ કાઢી દીધેલ છે.

સરપંચે માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
સરપંચ મનુભાઈ સોઢા પરમાર એ ઉપરોક્ત ચારેય લોકોને તમે લાઈટના ફ્યુઝ કેમ કાઢ્યા છે તેમ પૂછતા આ તમામ લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને મોટે મોટેથી ગાળો બોલવા લાગ્યા હતા. સરપંચે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા તમામ લોકોએ સરપંચ મનુભાઈને ગડદાપાટુનો માર મારવા ફરી વળ્યા હતા. આસપાસના ગ્રામજનોએ સરપંચને વધુ મારથી છોડાવ્યા હતા. સમગ્ર મામલે સરપંચ મનુભાઈ સોઢાપરમારે ઉપરોક્ત ચારેય લોકો સામે માતર પોલીસના ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...