આંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં એક થી દોઢ કિમી દુર પાણી માટે રઝળપાટ કરતા લોકોને નળ થી જળ મળે તે માટે વાસ્મો યોજના અંતર્ગત પાણીની લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ ખેડા જિલ્લા પંચાયતની લસૂન્દ્રા બેઠક અંતર્ગત આવતી ફાગવેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલી રહેલા વાસ્મો યોજનાના કામો યોગ્ય રીતે નહી થતાં હોવાની ફરિયાદ ભાજપના જિલ્લા પંચાયત સભ્ય દ્વારા કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરને કરેલી ફરિયાદમાં ભાજપના જિલ્લા પંચાયત સભ્ય પ્રવિણસિહ રાઠોડે ઉલ્લેખ કર્યો છે કે આ વિસ્તારમાં વાસ્મો યોજના અંતર્ગત થયેલ કામગીરીની તપાસ કરવી જરૂરી છે.
આ કામગીરી સામાન્ય રીતે પંચાયત તલાટી અને વાસ્મોના એન્જીનીયર મળીને કરતા હોય છે. જેના કારણે સરપંચ તથા પંચાયતના સદસ્યોને તે બાબતની કોઈ જાણ કરવામાં આવતી નથી. જે જગ્યા પર અગાઉ થી પાઇપ લાઈનો નાંખવામાં આવી હોય, ત્યા જ નવી પાઈપ લાઈનો નાખી નાણાનો વ્યય કરવામાં આવે છે. યોજનાના એન્જીનીયર આડેધડ રીતે મહારાજના મુવાડા થી મથુર કાંહ્યાના મુવાડા સુધીનો બનાવેલ રસ્તો તોડી નાંખવામાં આવ્યો છે.
જેનું રીપેરીંગ કામ પણ બાદમાં કરવામાં આવતું નથી. યોજનાનું મોનીટરીંગ કોણ કરે છે, તેની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. હાલ ઉનાળો શરૂ થઈ ગયો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1 બેડુ પાણી મેળવવા માટે એક થી દોઢ કિમી. દુર જતી બહેનો માટે પરિસ્થિતિ ખૂબ વિપરીત છે. જેથી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરવા ખુદ જિલ્લા પંચાયત સભ્યએ માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.