મહિલાઓના ઉત્કર્ષનું કાર્ય:નડિયાદની વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળમાં જોવા મળ્યો મહિલા દિને મહિલા સન્માનનો ઉત્તમ નમૂનો

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ સહીત રાજ્યની 26 જેટલી સંસ્થાઓનું મૂલ્યો આધારિત સંચાલન કરતાં પૂર્વ કેન્દ્રીયમંત્રી દિનશા પટેલના ધર્મપત્ની કુંદનબેન દિનશા પટેલે મહિલા દિનના અનુસંધાને મહિલાઓના ઉત્થાન માટે સેવારત સંસ્થા વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળને દિનશા પટેલના સ્વર્ગસ્થ પત્ની ભારતીબેન દિનશા પટેલના સ્મારણાર્થે આધુનિક સ્માર્ટ ક્લાસની ભેટ આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સંસ્થાની દીકરીઓ ગાંધી અને સરદારનના મૂલ્યો સાથે ઉત્તમ શિક્ષણ મેળવે તે જરૂરી છે
શ્રી વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓમાં નવી ટેક્નોલોજી સભર સ્માર્ટ કલાસનું લોકાર્પણ સંસ્થાના પ્રમુખ દિનશા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ ગીરાબેન પટેલ, મંત્રી ભગવતીબેન પંડ્યા સહીત મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દિનશા પટેલે જણાવ્યું હતું કે, કુંદનબેનની ઈચ્છા હતી કે મહિલા દિને મહિલાઓના ઉત્કર્ષનું કાર્ય થાય. સંસ્થાની દીકરીઓ ગાંધી અને સરદારનના મૂલ્યો સાથે ઉત્તમ શિક્ષણ મેળવે તે જરૂરી છે, તો મહિલા દિન સાર્થક ગણાશે.

અતિ આધુનિક સ્માર્ટ ક્લાસથી ભાવિ શિક્ષિકાઓ ઉત્તમ રીતે તૈયાર થશે
દિનશા પટેલ દ્વારા સ્વ.ભારતીબેન દિનશા પટેલ અને કુંદનબેન દિનશા પટેલના સ્મારણાર્થે સ્માર્ટ ક્લાસ માટે રૂપિયા બે લાખનો ચેક આચાર્યા ડૉ.પ્રીતિબેન રાઠોડ, મંત્રી ભગવતીબેન પંડ્યાને અર્પણ કરાયો હતો. આ પ્રસંગે ડૉ. પ્રીતિબેન રાઠોડે જણાવ્યું હતું કે, સમયાંતરે ટેક્નોલોજી બદલાય છે ત્યારે અતિ આધુનિક સ્માર્ટ ક્લાસથી ભાવિ શિક્ષિકાઓ ઉત્તમ રીતે તૈયાર થશે.આ ઉપરાંત વિદ્યાલય ખાતે દેસાઈભાઈ અને ગંગાબાના સ્મારણાર્થે નિર્માણ પામેલ સ્માર્ટ ક્લાસના દાતા બકુભાઈ પટેલનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...