બે જિલ્લા વચ્ચે ગામનો વિકાસ રૂંધાયો:જિલ્લા, તાલુકા ફેરબદલ થયા બાદ પેટલીના ગ્રામજનોને હાલાકી, સરકારી કામો માટે બે-બે કચેરીમાં ધક્કા ખાવા મજબુર

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોને સરકારી લાભ મેળવવા લોઢાના ચણા ચાવવા જેવું કઠીન બન્યું
  • પેટલી ગામ પહેલા આણંદના સોજીત્રા તાલુકામાં હતું ફેરબદલ બાદ વસો તાલુકામાં સમાવેશ કરાયો

સાહિત્ય કાર ઈશ્વર પેટલીકરની જન્મ ભૂમિ પેટલી ગામની જિલ્લા તાલુકા ફેરબદલ કરી વસો તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ રોડ રસ્તા, કાસ તેમજ પોલીસ સ્ટેશનની હદમાં ફેરફાર થયો નથી. જેથી ગામના વિકાસ કામો અટવાતા ગામનો વિકાસ રુધાયો છે. આ બધી પરીસ્થિતિના કારણે ગ્રામજનોને એક કામ માટે બે-બે કચેરીમાં ધક્કા ખાવા પડે છે. જેથી ગ્રામજનોએ પેટલી ગામનો આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં સમાવેશ કરવા માગણી કરી છે.

ફેરબદલીના કારણે ગ્રામજનોને અનેક મુશ્કેલી પડી
ખેડાના વસો તાલુકાના પેટલી ગામના ડાહ્યાભાઈ મનોજભાઇ પરમાર( પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત વસો) એ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વસો તાલુકાનું પેટલી ગામ વર્ષ 2014 પહેલા આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં હતું. ત્યારે તમામ રીતે વિકસિત ગામ હતું. પેટલી ગામને જિલ્લા ફેર બદલી કરી ખેડા જિલ્લાના વસો તાલુકામાં સમાવેશ કરાયું હતા. આ જિલ્લા ફેરબદલીના કારણે ગ્રામજનોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના વિકાસની ગતિમંદ પડી છે તેમજ ખેતીવાડી ખાતાધારકો, ખેડૂતોને ઘણુ નુકસાન વેઠવુ પડ્યું છે.
ખાતર વિતરણ વ્યવસ્થામાં ખેડૂતોને ઘણુ સહન કરવુ પડે છે
ગામના રેવન્યુ રેકર્ડમા ફેરફાર થયા છે, પરંતુ તેમાં બેન્કોમાં, સહકારી સંસ્થાઓમાં તેમજ ખાતર વિતરણ વ્યવસ્થામાં ખેડૂતોને ઘણુ સહન કરવુ પડે છે. ‌પેટલી ગામનો વિસ્તાર હાલ સિંચાઇ વિભાગ પેટલાદ-ખંભાત સોજીત્રામાં હોઈ પેટલી સીમ વિસ્તારની કાસડીઓને પાકી કરાતી નથી તથા મત્સ્યઉદ્યોગ ખાતુ પણ આણંદ જિલ્લામાં આવે છે.
પેટલી ગામના રોડ રસ્તા માર્ગમકાન વિભાગ આણંદમાં આવ્યાં હોય આ રસ્તાઓને બનાવ્યે આજે 12-12 વર્ષ થયા હોવા છતાં એક પણ રોડનું રીસરફેસ ડામર કામ થયું નથી. પેટલી લાડકુઇ, પેટલી–રુણ અને પેટલી મલાતજ રસ્તો રીફ્રીસીંગ કરવામાં આવ્યો નથી. પેટલીના ગ્રામજનોના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડમાં સરનામાં તાલુકો સોજીત્રા, જિલ્લો આણંદ ચાલે છે. નવામાં તાલુકો વસો જિલ્લો ખેડા જેથી પાસપોર્ટ, આર.ટી.ઓ, બેન્કોના વેરીફીકેશન, વાહન રજીસ્ટેશન ખેડૂતોના ઓનલાઇન ફોર્મ ભરવા એવા ઘણા કામો કરવામાં ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે.

પી.એ.સી સેન્ટર પણ ગામથી 17 કિમી.ના અંતરે
જિલ્લો બદલાતા કોર્ટ વસો આપી છે જ્યારે પોલીસ સ્ટેશન બદલવાને બદલે સોજીત્રા રાખેલું છે. જેના કારણે કોઈ પણ કેસ હોય તેમાં જામીન લેવા માટે સોજીત્રા અને વસો દોડાદોડી કરવી પડે છે. અગાઉ પેટલી ગામનું પી.એચ.સી.સેન્ટર માત્ર 2 કિમીના અંતરે દેવા ગામે હતું. હાલ પેટલી ગામને 17 કિમી.ના અંતરે ખાંધલી ગામે આવેલા પીએચસીમા સમાવેશ કરવામાં આવ્યો છે.
ગામના લાભાર્થીઓને આ પી.એચ.સી.જવા માટે કોઈ બસ, રીક્ષા જેવુ સાધન ઉપ્લબ્ધ ન હોય પ્રાઇવેટ વાહનના ખોટા ખર્ચા કરીને જવું પડે છે.
વહીવટી કારણોસર સુવિધાઓને બદલે મુશ્કેલીઓમાં વધારો
ડેમોલ-પેટલી-દેવા કાસ હાલ આણંદ જિલ્લામાં આવે છે. જેથી કોઈ કામગીરી થતી નથી. છેલ્લા 4 વર્ષથી કાંસના ગરનાળાની પાળી દિવાલ તુટી ગયા અંગે વારંવાર રજૂઆતો કરી છે. છતાં માર્ગ મકાન વિભાગ અને કાંસ વિભાગ બાઇ બાઇ ચારણીની જેમ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. ડેમોલ-પેટલી-ડભોઉ રોડ સ્ટેટ વિભાગનો રોડ છે. આણંદ જિલ્લાની હદમાં આવેલા તમામ સ્ટેટના રોડ પહોળા થયા જ્યારે ઘણો ટ્રાફિક હોવા છતાં ડેમોલ-પેટલી ડભોઉ રોડ પહોળો કરવામાં આવ્યો નથી. તેની સાથે વસો દેવા રોડને પણ હદના કારણે અધુરો મુક્વામાં આવ્યો છે. આમ પેટલી ગામનો ખેડા જિલ્લામાં વસો તાલુકામાં ફેરબદલ કર્યા બાદ ગ્રામજનોને વહીવટી કારણોસર સુવિધાઓને બદલે મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેને કારણે ગ્રામજનોએ પેટલી ગામને વસો તાલુકામાંથી પરત સોજીત્રા તાલુકામાં સમાવેશ કરવા માગણી કરી છે.
108ની સેવા મેળવવામાં પણ વલખા
આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પેટલી ગામનો વસો તાલુકામાં સમાવેશ થયો છે. જિલ્લા તાલુકા ફેરબદલ થયા બાદ પેટલીના ગ્રામજનો 108ની ઇમર્જન્સી સેવા મેળવવા ફોન કરે તો બાઈ બાઈ ચારણી જેવા જવાબો મળી રહ્યા છે. 108ની સેવા માટે વલેટવા 108ના કર્મચારી સોજીત્રાથી 108 સેવા મળશે જ્યારે સોજીત્રા 108ના કર્મચારી વલેટવાનો સંપર્ક કરવા જણાવે છે. આમ 108 ઇમરજન્સી સેવા સમયસર ન મળતા કે 108 ઇમર્જન્સી સેવા મળવામાં વિલંબ થતા ભોગ બનનાર મોતને ભેટવાની ઘટનાઓ બનતી હોય છે. આમ તાલુકા ફેર બદલ થતા પેટલીના ગ્રામજનોને 108ને પેટલીનું લોકેશન ન મળવાના કારણે ઇમરજૅનસી સેવા મેળવવામા ઘણી જ મુશ્કેલી વેઠવી પડતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...