ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં આવેલા દાદના મુવાડા ગામમાં દોઢ વર્ષ પૂર્વે થયેલા કથિત જમીન કૌભાંડ મામલે જવાબદારો સામે કાર્યવાહીની માગ સાથે આજે ગામલોકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. દોઢ વર્ષ પૂર્વે ભૂમાફિયાઓ દ્વારા દાદાના મુવાડા ગામની સરકારી ઈમારતો સહિત ખેડૂતોની જમીનના રાતોરાત દસ્તાવેજ કરી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
રાતોરાત આખેઆખું ગામ વેચી નખાયાનો આક્ષેપ
કઠલાલના દાદાના મુવાડા ગામના લોકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, દોઢ વર્ષે પૂર્વે દાદાના મુવાડા ગામની તમામ જમીન, મકાન, પંચાયત ઘર, દૂધની ડેરી સહિતની ઈમારતોનું બારોબાર વેચાણ કરી નાખવામાં આવ્યું હતું. ગામલોકોની અજ્ઞાનતાનો લાભ લઈ ભૂમાફિયાઓ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
રેકર્ડ સાથે ચેડા કરી દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ
ગામલોકોએ આજે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ચૌહાણ અભયસિંહ, જનકસિંહ ઠાકોર, કુંદનસિંહ ચૌહાણ અને તેમના મળતીયાઓ દિલીપસિંહ નટવરસિંહનાઓે દ્વારા ગામની જમીનના રેકર્ડ સાથે ચેડા કરી દસ્તાવેજો બનાવી નાખવામાં આવ્યા છે.આ લોકો દ્વારા અમારી જમીન હડપ કરી લેવાનું કૃત્ય આચરેલ હોય તેઓની સામે તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
શું કહી રહ્યા છે ગ્રામજન?
દાદાના મુવાડા ગામના રાજવીર ઠાકોરે જણાવ્યું હતું કે, કઠલાલના દાદાના મુવાડા વિસ્તારમાં આઝાદી પહેલા ગાયકવાડી સરકારના શાસનમાં પાલકર કુટુંબો સૂબા તરીકે 999 વીઘા જમીનોનો વહીવટ કરી માલિકી હક ભોગવતા હતા. જે બાદ સમયાંતરે આ પાલકર કુટુંબો દ્વારા જરૂરિયાત મુજબ આ ગામના ખેડૂતોને વેચાણ દસ્તાવેજથી જમીનો વેચાણ આપવામાં આવી હતી. તો આઝાદી બાદ ગણોતધારો લાગુ થતા કેટલાક ખેડૂતો ગણોતધારા મુજબ ખેડૂત બની આ જમીનોમાં માલિક બન્યા હતા. જોકે અજ્ઞાનતા અને કાયદાથી અજાણ ખેડૂતોએ આ અંગે જમીનોના સાત બારમાં પોતાની માલિકીની એન્ટ્રી ન પડાવતા આજ સુધી પાલકર કુટુંબોનું નામ સાત બારમાં પ્રથમ માલિકી હકમાં રહેતા તેનો લાભ ઉઠાવી આજના આ પાલકર કુટુંબોના વારસદારોએ વારસાઈ કરાવી પોતે મલિક બની આ જમીનોના 65 વીઘા જેટલી ઓફલાઇન દસ્તાવેજ અને અન્ય જમીનોનો વેચાણ પાવર અમદાવાદના બે લોકોને આપી વેચાણ કરવાનો કારસો કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.