ખેડા જિલ્લામાં દારૂની બદીઓ બીલાડીના ટોપની માફક ફુલી ફાલી છે. ત્યારે વધુ એક વખત રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે ચકલાસી પોલીસ મથકની હદમાં દરોડો પાડી માતા-પુત્રની જોડીને દારૂ વેચતા રંગે હાથે પકડી લીધા છે. અભણ મહિલા બુટલેગરે બે વર્ષ પહેલા જ દારૂનો વેપલો શરુ કર્યો હતો અને પુત્રને પણ આ ધંધામાં ઉતાર્યો હતો. પોલીસે અડધા લાખ ઉપરાંતનો દારૂ તેમજ વિદેશી દારૂના વેચાણના રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 82 હજાર 685નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બનાવમાં સ્થાનિક ચકલાસી પોલીસ ઊંઘતી ઝડપાય છે.
છુટી ઈટની દિવાલમાં છુપાવેલો વિદેશી દારૂની બોટલો મળી
રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે ખેડા જિલ્લામાં વધુ એક વખત સપાટો બોલાવ્યો છે. ગતરોજ ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચલાલી ગામના શક્તિનગર ખાતે રહેતી બુટલેગર મહિલા લક્ષ્મીબેન શામંતભાઈ તળપદાના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાંથી લક્ષ્મીબેન અને તેમના દીકરો મહેશ બંન્ને ઘરના પતરાના અડાડાની અંદર વિદેશી દારૂનું વેચાણ કરતા હતા અને પોલીસે દરોડો પાડી આ બંનેને રંગે હાથે ઝડપી લીધા છે. અહીયા રહેલો વિદેશી દારૂની બોટલો તેમજ ઘરના અંદર છુટી ઈટની દિવાલમાં છુપાવેલો વિદેશી દારૂની બોટલો મળી કુલ 222 નંગ બોટલો મળી રૂપિયા 55 હજાર 645 તેમજ આ વિદેશી દારૂના વેચાણના રોકડા રૂપિયા 22 હજાર 40 મળી મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 82 હજાર 685નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહિલા બુટલેગરને વિક્રમ નામના વ્યક્તિની મુલાકાત કોર્ટમાં થઈ
આ વિદેશી દારરૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરતા આ વિદેશી દારૂનો જથ્થો વિક્રમ નામના વ્યક્તિ પૂરો પાડતો હોવાની હકીકત સામે આવી છે. પોલીસે એક પછી એક એમ બંને વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. જેમાં લક્ષ્મીબેન તળપદાએ પોલીસ સમક્ષ કબુલ્યુ કે, આ વિદેશી દારૂનો વેપલો છેલ્લા બે વર્ષથી ચાલુ કર્યો હતો. વધુમા હું પોતે અભણ હોવાથી ગત બે વર્ષ પહેલા આ વિક્રમ નામનો વ્યક્તિની મુલાકાત નડિયાદ કોર્ટમાં થઈ હતી.
ચકલાસી પોલીસની કામગીરી સામે શંકાની સોય ચિંધાઈ
તે દરમિયાન આ વિક્રમે જણાવ્યું હતું કે, ઇંગ્લિશ દારૂનો ધંધો કરવો હોય તો હું તમને ઇંગલિશ દારૂ આપી જઈશ તેવું કીધું હતું. બાદમાં આ વ્યક્તિ વિદેશી દારૂનો જથ્થો છોટાહાથી પર લાવે અને અમે એક્ટીવા લઈને લેવા જતાં આ બાદ અમારા ઘરની ઓરડીમાં સંગ્રહિત કરતા અને અમે એને વેચાણ કરતા હતા હોવાની કબુલાત કરી છે. પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલે આ અગાઉ પખવાડિયા પહેલા જ ચકલાસી પોલીસ મથકની હદમાંથી જંગી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. અને આ બનાવ બાદ પણ ચકલાસી પોલીસની કામગીરી સામે શંકાની સોય ચિંધાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.