અગલે બરસ તુમ જલ્દી આના:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ ઉત્સવ પૂર્ણતાને આરે, આવતીકાલે વિધ્નહર્તાની વિદાય

નડિયાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઘરે, મહોલ્લા, ફળીયામાં, સોસાયટી કે પોળમાં સ્થાપિત કરેલા ગણેશજીના 10-10 દિવસ સુધી પૂજન અર્ચન કર્યા બાદ આવતીકાલે અનંત ચૌદસના રોજ ભક્તો દુંદાળા દેવને વિદાય આપશે. ગણેશ સ્તુતિ સહિત ગણેશ પાઠ કરી આરતી ઉતારી ગણેશ ભક્તો વિધ્નહર્તાની અશ્રુભીની આંખે વિદાય આપશે. આ પહેલા એટલે કે આજરોજ ગણેશ મંડળો દ્વારા ઠેરઠેર ગણેશજીને છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો છે. અવનવી વાનગીઓ દુંદાળા દેવને ધરાવવામાં આવી હતી. નડિયાદ તાલુકાના ડભાણ ગામે ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ મંદિર ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.મંડળ દ્વારા 56 ભોગ અન્નકૂટ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતુ. જેનો મોટી સંખ્યામાં હરિભક્તો એ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત રાત્રે રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. ક્યાંક ગણેશ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ ભક્તો ગણેશજીની ભક્તિમા લીન બની આવતીકાલે તાલુકા મથકોએ અને ગામતળના નહેર, નદી કાંઠે ગણેશ વિસર્જન કરવામાં આવશે.

સોસાયટી-પોળમાં જ હોજ બનાવી વિસર્જન કરાશે
ગણેશ વિસર્જનની તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામા આવી છે. જિલ્લાના નડિયાદ, મહેમદાવાદ, માતર, કપડવંજ, ખેડા, મહુધા, સેવાલીયા (ગળતેશ્વર), વસો, કઠલાલ, ઠાસરાના તાલુકા મથકોએ અને ગામતળના નહેર, નદી કાંઠે ગણેશ ભક્તો ઉમટશે અને શ્રીજીનું વિસર્જન કરશે. તો જાગૃતિના કારણે મોટાભાગની સોસાયટી, પોળના લોકોએ પ્રસ્થાપિત કરેલ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું પોતાની સોસાયટી, પોળમાં જ હોજ બનાવી વિસર્જન કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

સ્થાનિક પોલીસનો કાફલો સ્ટેન્ડ ટુ રહેશે
આવતીકાલે ડીજીના તાલ અને ઢોલ નગારાના સૂર તાલ સાથે દૂંદાળા દેવની વાજતે ગાજતે વિસર્જન યાત્રા નીકળશે. ભારે ઉત્સાહ અને શ્રધ્ધા સાથે વિધ્નહર્તાની વિદાય થશે અને "અગલે બરસ તુમ જલ્દી આના" ના જય ઘોષ સાથે ગણેશ ભક્તો ભગવાન ગણપતિને દાદાને વિદાય આપશે. વિસર્જન યાત્રા અને નહેર, નદી કાંઠે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસનો કાફલો સ્ટેન્ડ ટુ રહેશે.

ફાયરબ્રિગેડ સ્ટાફ હાજર રહેશે
વડા મથક નડિયાદમાં મુખ્ય બે જગ્યાએ શ્રીજીનુ વિસર્જન થનાર છે. એક કોલેજ વાળી નહેર તો અન્ય પશ્ચિમ વિસ્તારમાં આવેલી નહેર ખાતે આ ઉપરાંત આસપાસના ગામના લોકો નજીક આવેલ નહેર, નદી તથા તળાવો ખાતે વિસર્જન કરાશે. નડિયાદમા ક્રેઈન મારફતે થશે અને આ માટે પાલિકા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ પણ કરી દેવાઈ છે. પુરતી લાઈટીગની વ્યવસ્થા સહિત ફાયરબ્રિગેડ સ્ટાફ હાજર રહેશે. ઉપરાંત પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત રહેશે. બિલોદરા ખાતે આવેલ શેઢી નદી ખાતે પણ વિસર્જન કરવામાં આવનાર છે.

કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકાયો
આવતીકાલે વિસર્જન હોવાને પગલે નડિયાદ શહેરમાં ગણેશજીની મૂર્તિઓ સાથે જુદા જુદા વિસ્તારમાંથી શોભાયાત્રાઓ નીકળી જાહેર માર્ગોએ ફરી નકકી કરેલ સ્થળ જેવા કે, કોલેજ રોડ, મોટી નહેર તેમજ પીજ રોડ મોટી નહેર તથા બીલોદરા શેઢી નદી ખાતે મૂર્તિઓની પધરામણી કરવામાં આવતી હોય છે. આ શોભાયાત્રાઓ ખાસ કરીને નડિયાદ સંતરામ રોડ ઉપરથી પસાર થનાર હોવાના કારણે ટ્રાફીક જામ થવાની સંભાવના છે. જેથી ટ્રાફીક જામ ન થાય તથા શોભાયાત્રાઓ શાન્તિથી પસાર થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નડિયાદ શહેરના વિસ્તારમાં આવતીકાલથી બપોરે 12 વાગ્યાથી નડિયાદ શહેરમાં તમામ ગણેશ વિસર્જન પૂર્ણ ન થાય ત્યા સુધીના સમય દરમ્યાન વાહન વ્યવહારની અવરજવર ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

પ્રતિબંધ કરાયેલા માર્ગો

 • (1) એસ.ટી.બસ સ્ટેશનથી બહાર નીકળી સંતરામ રોડ, મહાગુજરાત સર્કલ ત્રણ રસ્તા, વાણીયાવાડ સર્કલથી કોલેજ રોડ તરફ જતાં તમામ વાહન વ્યવહાર.
 • (2) પીજ ભાગોળ ચોકથી જૂની જયંત શાહ હોસ્પિટલ તરફ જતો તમામ વાહન વ્યવહાર.
 • (3) માઈ મંદિરથી રેલ્વે ગરનાળાથી વર્ગો કોમ્પલેક્ષ સંતરામ રોડ તરફ આવતી તમામ વાહન વ્યવહાર.
 • (4) વૈશાલી સીનેમા રોડ, રેલ્વે ગરનાળા તરફથી શાક માર્કેટ તરફ આવતી તમામ વાહન વ્યવહાર.
 • (5) મોટા કુંભનાથ રોડ, વી કે વી., સંતરામ સોસાયટી, વકીલ સોસાયટી, ઓપન એર થીયેટર તરફથી સંતરામ મંદિર રોડ તરફ આવતો તમામ વાહન વ્યવહાર.
 • (6) મહાગુજરાત ત્રણ રસ્તાથી સંતરામ રોડ, સ્ટેશન રોડ, રેલ્વે સ્ટેશન તરફ આવતો તમામ વાહન વ્યવહાર.
 • (7) રબારીવાડ (સુરજબા પાર્ક) દેસાઈ વગો તરફથી ગ્લોબ સિનેમા થઈ સંતરામ રોડ તરફ આવતો તમામ વાહન વ્યવહાર.
 • (8) ડુમરાલ બજારથી સંતરામ ટાવર થઈ સંતરામ મંદિર તરફ આવતો તમામ વાહન વ્યવહાર.
 • (9) ચકલાસી ભાગોળ ત્રણ રસ્તાથી શીતલ સીનેમા થઈ મહાગુજરાત સકલ ત્રણ રસ્તા તરફ આવતો તમામ વાહન વ્યવહાર.
 • (10) ભુમેલ ચોકડીથી ઉત્તરસંડા ચોકડી, ઉત્તરસંડા બસ સ્ટેશન, ડી-માર્ટ થઈ કોલેજ રોડ તરફ આવતો તમામ વાહન વ્યવહાર.
 • (11) પીપલગ ચોકડીથી સરદાર પટેલ ઓવરબ્રિજથી કીડની હોસ્પિટલ ચોકડી, વાણીયાવાડ સર્કલ તરફ આવતો તમામ વાહન વ્યવહાર.
 • (12) કીડની હોસ્પિટલ ચાર રસ્તાથી નાના કુંભનાથ રોડ થઈ પારસ સર્કલ થઈ સંતરામ રોડ તરફ આવતો તમામ વાહન વ્યવહાર.

ઉપરોકત વાહન વ્યવહાર બંધ થતાં વૈકલ્પીક માર્ગો

 • (1) એસ.ટી,બસ સ્ટેશનથી બહાર નીકળતો તમામ વાહન વ્યવહાર એસ.ટી.બસ સ્ટેશનથી શ્રેયસ રેલ્વે ગરનાળાના વળાંક થઈ રેલ્વે સ્ટેશન, આર.ટી.ઓ.થઈ આગળ તરફ જઈ શકશે.
 • (2) મહાગુજરાત સકલ ત્રણ રસ્તા તથા ડાકોર રોડ, ચકલાસી ભાગોળ, મરીડા રોડ તરફથી આવતો તમામ વાહન વ્યવહાર ચકલાસી ભાગોળથી મરીડા રોડ કનીપુરા નાકા થઈ આગળ તરફ જઈ શકશે.
 • (3) મોટા કુંભનાથ રોડ તરફથી આવતો, વી.કે.વી. સંતરામ સોસાયટી, વકીલ સાસાયટી, નવી જયત શાહની હોસ્પિટલ, ઓપનએર થીએટર થઈ સંતરામ રોડ તરફ આવતો તમામ વાહન વ્યવહાર વિઠ્ઠલ કન્યા વિધાલય થઈ નવી આંખની હોસ્પિટલ પાસેથી વિકાસ કોલોની થી રવિકિરણ કોમ્પલેક્ષ ચાર રસ્તા (રાહુલ હોસ્પિટલ ત્રણ રસ્તા) થઈ અલકાપુરીથી મહાગુજરાત ત્રણ રસ્તા થઈ આગળ જઈ શકશે.
 • (4) ભુમેલ ચોકડીથી ઉત્તરસંડા, નડીયાદ તરફ આવતો તમામ વાહન વ્યવહાર ને હા નં.8 પર વડતાલ ચોકડી, પીપલગ ચોકડી, પીજ ચોકડી, ડભાણ ચોકડી થઈ આગળ જઈ શકશે.
 • (5) પીપલગ ચોકડીથી સરદાર પટેલ ઓવરબ્રીજ થઈ કીડની હોસ્પિટલ તરફ આવતો તમામ વાહન વ્યવહાર પીપલગ ચોકડી ને.હા.નં.8, પીજ ચોકડી, ડભાણ તરફ તથા ભુમેલ ચોકડી તરફ જઈ શકશે.
અન્ય સમાચારો પણ છે...