નડિયાદ શહેરની નવરંગ ટાઉનશીપમાં બુધવારે ભર બપોરે પતિઅે બીજી પત્નીની કરેલી હત્યાના બનાવને લઈ ચકચાર મચી હતી. ઘટનાને અંજામ આપનાર રસીકે નિમિષાને 10 ફુટ દુર થી ગોળી મારી હત્યા કરી હતી. જે ઘટનામાં આરોપી પાસેથી દેશી તમંચો મળી આવ્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું હતુ કે ઘટનામાં વાપરેલ તમંચો તે પોતાના વિક્કી માને નામના મિત્ર પાસેથી લાવ્યો હતો. જે બાદ હવે પોલીસે વિક્કી માનેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
બુધવારે બનેલ ઘટનાને પગલે હત્યારા રસિક ને ગુરૂવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે રિમાન્ડની માગણી કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા હતા. જે શુક્રવારના રોજ પૂર્ણ થતા તેને બિલોદરા જેલમાં ધકેલી દેવાયો હતો.
મૃતકની માતા સુમિત્રાબેન પરમારે પોલીસને આપેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા રસીકની પ્રથમ પત્ની બાળકો રસિક ના ઘરે આવવાના શરૂ થયા હતા. અને બસ ત્યારથી જ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. તે સમયે રસીકે નિમિષાને ગોળી મારી હત્યા કરી નાંખવાની ધમકી આપી હતી.
ત્યાર બાદ કોર્ટમાં ચાલી રહેલા જુદા જુદા કેસ દરમિયાન મળેલા વિક્કી માને નામના મિત્રને કહીં તેની પાસેથી તેણે તમંચો ખરીદયો હતો. તા.15 માર્ચના રોજ એજ બંદુક થી ગોળી મારી તેણે ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે નોંધેલી ફરિયાદમાં હત્યાની કલમો સાથે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. જે ગુના અનુસંધાને હથિયાર લાવી આપનાર આરોપીની પણ હવે ધરપકડ કરવામાં આવશે તેમ પશ્ચિમ પીઆઈ વાય.આર.ચૌહાણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.