વિવાદ:સી.બી.પટેલ આર્ટસ કોલેજના પ્રોફેસરના વર્તન મામલે હોબાળો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને ધક્કા મારીને અપશબ્દો બોલ્યાનો આક્ષેપ
  • એબીવીપીના કાર્યકરો આવેદન આપવા ગયા તો ન સ્વીકાર્યુ

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરી હોવા બાબતે વિવાદ થયો હતો. સમગ્ર મામલે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન સાથે પ્રિન્સિપાલને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જો ફરીવાર વિદ્યાર્થીઓ સાથે આવું વર્તન થશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

સમગ્ર મામલે એબીવીપી પ્રમુખ નીરવ શાહે જણાવ્યું હતું કે ગુરુવારના રોજ કોલેજમાં ઈનોવેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે સમયે કોલેજના પ્રોફેસર પ્રકાશ રાઠવા દ્વારા વિદ્યાર્થીઓને વગર વાકે ધક્કા મારવામાં આવ્યા હતા. તેમજ કેટલાક વિદ્યાર્થીઓને અપશબ્દો બોલી ગેરવર્તણૂક કરી હતી. એટલું જ નહીં વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય મામલે જ્યારે એબીવીપી દ્વારા પ્રિન્સિપાલને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા ત્યારે પ્રિન્સિપાલ મહેન્દ્રભાઈ દવેએ આવેદનપત્ર સ્વિકારવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.

વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખવા પ્રોફેસરની ફરજ છે, બખેડો કરવા બહાના શોધાય છે
ઈનોવેશનના કાર્યક્રમ દરમિયાન ગાંધીનગરથી મોંઘા ભાવના સાધનો આવ્યા હતા. જેના નિદર્શન સમયે કેટલાક વિદ્યાર્થીઓ શિસ્તમાં ન રહેતા પ્રોફેસર પ્રકાશ રાઠવા દ્વારા તેમને શિસ્તમાં રહેવા જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ ભણાવવા તે શિક્ષકની ફરજમાં આવે છે. પરંતુ એબીવીપી દ્વારા ગમે તે બહાને બખેડો કરવા પ્રયાસ કરવામાં આવતા હોય છે. આ આવેદનપત્ર પણ તેનો જ એક ભાગ હોઈ અમે તે સ્વીકાર્યું નથી - .મહેન્દ્ર દવે, પ્રિન્સિપાલ, સી.બી.પટેલ, આર્ટસ કોલેજ, નડિયાદ

અન્ય સમાચારો પણ છે...