લાપસીના આંધણ મૂકો:અતૃપ્ત વણઝારિયાની ઝંખના તૃપ્ત : પાઇપલાઇનનું કામ શરૂ

નડિયાદ9 દિવસ પહેલાલેખક: યોગીન દરજી
  • કૉપી લિંક
  • પાણી પુરવઠા વિભાગે કામગીરી આરંભી, વીર શહીદ હરીશસિંહના ગામમાં વર્ષો બાદ મળશે નળમાં જળ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારિયા ગામના લોકો વર્ષેથી પીવાના પાણીની હાડમારી વેઠી રહ્યાં છે. અઢી હજારની વસ્તી ધરાવતાં આ ગામના એક પણ ઘરમાં નળથી જળ મળતું ન હતું. ગામમાં એક પણ સરકારી બોર કે કૂવો ન હતો. જેથી દિવસ હોય કે રાત જ્યારે લાઈટ આવે ત્યારે આખા ગામને 2 કિમી દૂર પાણી ભરવા જવું પડતું હતું. આ અંગે ગ્રામજનોની વેદનાનો સહ તસવીર અહેવાલ દિવ્ય ભાસ્કરમાં 10 મે 2022ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

જે બાદ હરકતમાં આવેલા તંત્રએ ગામમાં પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન નાખવાની ખોરંભે ચઢી ગયેલી અધૂરી કામગીરી તાબડતોબ ફરી શરૂ કરી દીધી છે. જિલ્લા કલેકટરની સૂચનાથી પાણી પુરવઠા વિભાગના જેસીબી મશીનો વણઝારિયા ગામમાં પહોંચી ગયા છે અને ખોદકામ કરી ગામ તરફ પાઇપ લાઇન લંબાવવાની કામગીરી આરંભી છે. ત્યારે આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને ઘર-ઘર સુધી નળથી જળ મળે તેવી વર્ષો જૂની આશ પૂર્ણ થતી જોવા ગ્રામજનો વ્યાકુળ છે.

પાણી પુરવઠા, વાસ્મો અને ગ્રા.પં. સંયુક્ત કામ કરશે
વણઝારિયા ગામની અંદર સુધી અમે પાઇપલાઇન નાખવાની કામગીરી કરી છે. પાસે જ અમારૂ વોટર વર્ક છે, ત્યાંથી ગામમાં ફળિયા સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ. જે બાદ ઇન્ટરનલ ડિસ્ટ્રીબ્યુટર એટલે કે નળથી જળ સુધી પાણી મળે તે માટે કાર્યવાહી વાસ્મો યોજના થકી થતી હોય ગ્રામ પંચાયત અને વાસ્મો વચ્ચે સંકલન કરી કરવાનું રહેશે. > કે.આર.શાહ, ડી.ઈ. પાણી પુરવઠા, કપડવંજ

ઝડપથી પાણી મળે તો ગ્રામજનોની તકલીફ દૂર થાય

ગામની વસ્તી ખુબ ગરી છે, અને પંચાયતની આવક નહીવત છે. વાસ્મો યોજના થકી ઘરે ઘરે પાણી મળે તે માટે પંચાયત દ્વારા કુલ એસ્ટીમેન્ટના 10 ટકા રમક ભરવાની હોય છે. જે ચૂકવવા માટે પંચાયત અક્ષમ છે. જો એમ.એલ.એ કે એમ.પી.ની ગ્રાન્ટ માંથી રકમ ચૂકવી ગામને મુક્તિ આપવામાં આવે તો ગ્રામજનોને લાભ થઇ શકે.

બારેે માસ પાણીની યાતનામાંથી મુક્તિ મળશે
કપડવંજ તાલુકાનો પૂર્વ ગાળો આજે પણ ઉનાળામાં પાણીની વિકટ સમસ્યાથી પીડાઈ રહ્યો છે. તેમાં પણ કપડવંજ તાલુકાનું વણઝારિયા ગામ તો બારે માસ પાણી માટે વલખાં મારી રહ્યું છે. હવે વણઝારિયા ગામે વર્ષોથી અટકી ગયેલું પાણીની લાઇન ફીટ કરવાનું કામ ફરી શરૂ થતાં ગ્રામજનોને બારે માસ બેડાં લઇને 2 કિમીની રઝળપાટ કરવાની યાતનામાંથીં મુક્તિ મળશે.

અન્ય સમાચારો પણ છે...