કલર કામ કરતા શખ્સોના કાળા કામ:ડુપ્લીકેટ ચાવીથી બાઇકોના લોક ખોલી ઉઠાવી જતા, પોલીસે ગેંગને પીજ ચોકડી પાસેથી ઉઠાવી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં મોટરસાયકલની ઉઠાંતરીના બનાવો વધી રહ્યા છે. મોટરસાયકલ ચોરી કરતી ટોળકી સક્રિય થતાં વાહન ચાલકોના જીવ અધ્ધર થયા છે. તેવામાં વસો પોલીસે ડુપ્લીકેટ ચાવીથી મોટરસાયકલના લોક ખોલી મોટરસાયકલ ચોરી કરતી ગેંગને પીજ ચોકડી પાસેથી ઝડપી લીધી છે. ચોરીના 5 મોટરસાયકલ સાથે 4 ઈસમોને ઝડપી લેવાયા છે. આ તમામ ચોરીના મોટરસાયકલ નડિયાદમાંથી ચોરી કરેલા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

4 લોકોને શંકા જતાં પોલીસે અટકાવ્યા
વસો પોલીસના માણસો પીજ ચોકડી પાસે પેટ્રોલીંગમા હતાં. આ દરમિયાન બાતમી મળી હતી કે, ચોરી અથવા તો છળકપટથી મેળવેલ મોટરસાયકલ અહીયાથી પસાર થનાર છે. આથી પોલીસે અહીયા વોચ ગોઠવી હતી. આ દરમિયાન આગળની નંબર પ્લેટ વગરની 4 જેટલી મોટરસાયકલ આગળ પાછળ આવતાં પોલીસને શંકા જતાં આ મોટરસાયકલને અટકાવી હતી. પોલીસે આ તમામ લોકોના નામઠામ પુછતા આ તમામે પોતાના નામ પ્રકાશ ઉર્ફે બુધો ભુપતભાઈ ગોહિલ (રહે.ટુડેલ, દોલતપુરા, તા.નડિયાદ), કલ્પેશ ડાહ્યાભાઈ ગોહેલ (રહે.ટુડેલ, આબેલા તલાવડી, તા.નડિયાદ), ભરત ઉર્ફે ટીનો અંબાલાલ સોલંકી (રહે.ઝારોલ, તા.નડિયાદ) મહેશ ઉર્ફે મોતિયો રૂપાભાઈ તળપદા (રહે.ટુડેલ, આબેલા તલાવડી, તા.નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. આ તમામ લોકો કલરકામની મજૂરી કરી છે.

તમામ મોટરસાયકલો નડિયાદમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું
મોટરસાયકલોના દસ્તાવેજી પુરાવા માંગતા આ તમામ લોકો ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જેના કારણે પોલીસે આ તમામ લોકોની અટકાયત કરી હતી અને વધુ પૂછપરછ હાથ ધરતા આ તમામ મોટરસાયકલો નડિયાદમાંથી ચોરી કરી હોવાનું પકડાયેલા આરોપીઓએ કબુલાત કરી હતી. ઉપરોક્ત ચાર મોટરસાયકલ તથા અન્ય એક મોટરસાયકલ મળી કુલ પાંચ મોટરસાયકલ આ વ્યક્તિઓ પાસેથી કબજે કરાયા છે.

લોકોની નજર ચૂકવી વાહન ચોરી કરી લેતાં
આ વાહન ગેંગની મોડસ ઓપરેન્ડી જોઈએ તો, આ તમામ ઈસમો પોતે કલર કામ કરી મજૂરી કરે છે. અને પોતાની પાસે અલગ અલગ ચાવીઓ રાખી, ભીડભાળવાળી જગ્યાએ પહોંચી પોતાની પાસે રાખેલ મોટરસાયકલની ડુપ્લીકેટ ચાવીઓથી જે મોટરસાયકલના લોક ઢીલા હોય તે મોટરસાયકલમાં ચાવી નાખી લોકોની નજર ચૂકવી મોટરસાયકલ લઈને નાસી જતા હતા.

ક્યા કયા સ્થળેથી મોટરસાયકલની ઉઠાંતરી કરી
આ તમામ મોટરસાયકલો પૈકી 3 મોટરસાયકલો નડિયાદમાં શાક માર્કેટ આગળથી તો અન્ય બે એન.ડી.દેસાઈ હોસ્પિટલના પંટાગણમાથી થોડા દિવસોના અંતરે જ ચોરી કર્યા હોવાની વિગતો પોલીસ સમક્ષ આવી છે.

અન્ય સમાચારો પણ છે...