ઠાસરા તાલુકાના ડાકોરમાં રહેતી 31 વર્ષીય મહિલાને વૈષ્ણોદેવી માતાજીના પ્રવાસ દરમિયાન કડવો અનુભવ થયો છે. પ્રવાસ દરમિયાન બે વ્યક્તિઓ દ્વારા મહિલાનો પીછો કરી બિભત્સ ચેનચાળા કરતા સમગ્ર મામલે ગોધરા રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મહત્વની બાબત છે કે પ્રવાસ દરમિયાન હેરાનગતિથી કંટાળેલી મહિલાએ પ્રવાસના આયોજકને ફરિયાદ કરતા તેમણે બંને ઇસમો પાસે માફી મંગાવી હતી. પરંતુ પ્રવાસ પૂર્ણ કરી ઘરે આવેલ મહિલા હેરાનગતિની જાણ તેના ભાઈને કરતા પોલીસ ફરિયાદ કરવા સૂચન કર્યુ હતુ.જે અંગે તપાસ કરતા હેરાન કરનાર ઇસમો સેવાલિયા પોલીસ સ્ટેશનના જ કોન્સ્ટેબલ હોવાનું બહાર આવ્યું હતું.જે બાદ આ બનાવ અંગે મહિલાએ બે કોન્સ્ટેબલ વિરુદ્ધ ગોધરા રેલવે પોલીસ મથકે બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મહિલા વૈષ્ણોદેવી-હરિદ્વાર દર્શન કરવા ગયા હતા
ડાકોરમાં રહેતી 31 વર્ષીય મહિલા તા.1-01-2022 ના રોજ વૈષ્ણોદેવી-હરિદ્વાર દર્શન કરવા ગયા હતા. આયોજન મુજબ તેમની ટ્રેનની ટીકીટ ગોધરાથી તા.1 જાન્યુઆરીના રોજ કટરા સુધીની હતી. તેમની સાથે અન્ય ચાલીસ વ્યક્તિઓ પણ હતા. ગોધરા રેલવે સ્ટેશન ઉપરના સ્ટોલ ઉપર ચા પીવા જતા પ્રવાસમાં સાથે રહેલ બે વ્યક્તિઓ ગંદી રીતે મહિલા સામે જોઈ ઇશારા કરતા હતા.
મહિલાએ પ્રવાસના આયોજકને ફરિયાદ કરી હતી
જ્યાં પણ ટ્રેન ઉભી રહે ત્યાં નીચે ઉતરી ખરાબ કોમેન્ટ કરતા હતા. પ્રવાસ દરમિયાન ખરાબ ઇશારા કરતા હતા. આ અંગે મહિલાએ પ્રવાસના આયોજકને ફરિયાદ કરી હતી.જે અંગે આયોજકોએ બે ઈસમોને આવુ નહી કરવા જણાવી માફી મંગાવી હતી. તા. 8 જાન્યુઆરીના રોજ દહેરાદુન એક્સપ્રેસ દ્વારા ગોધરા રેલવે સ્ટેશન આવ્યા હતા ત્યા પણ આ વ્યક્તિઓ દ્વારા મહિલા સામે જોઈ ઇશારો કર્યો હતો.
બે પોલીસ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ફરિયાદ
જેથી મહિલા પ્રવાસ દરમિયાન માનસિક રીતે મુશ્કેલીમાં મૂકાયા હતા. આ બનાવ અંગે ડાકોરની મહિલાએ ગોધરા રેલવે પોલીસ મથકે સેવાલિયા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઇ લક્ષ્મણભાઇ વાઘેલા અને ધીંમતસિંહ બળવંતસિંહ વાઘેલા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ગોધરા રેલવે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખાખીને દાગ - છેડતી કરનારા બે પોલીસ કર્મચારીને ગોધરા રેલવે પોલીસે છાવર્યાં
આ અંગે સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મહિલા જ્યારે ગોધરા રેલ્વે સ્ટેશન પર ફરિયાદ કરવા માટે ગઇ ત્યારે ફરિયાદ લેવામાં આવી ન હતી. પરંતુ થોડા કલાકો બાદ પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેસી જતાં ફરિયાદ સ્વીકારી બે પોલીસ કર્મચારી વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે આ અંગે મહિલા સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા સંપર્ક થઈ શક્યો ન હતો.
તપાસ દરમિયાન દોષિત ઠરે તો પગલાં લેવાશે
ફરિયાદ થયા બાદ સૌ પ્રથમ આ કેસની તપાસ થશે, તેમજ ફરિયાદમાં જણાવેલ આક્ષેપો સાચા છે કે નહીં તે અંગે તપાસ કરશે.જો આક્ષેપો સાચા ઠરશે તો પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવશે. - વી.આર.વાજપાઇ, ડી.વાય.એસ.પી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.