• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Two Policemen Were Thrashed, 7 People Stormed With Weapons And Ransacked An Out Post Post In Mehmedabad Saying 'why Are You Filing A False Complaint Against Me'

ખાખી પર હુમલો:મહેમદાવાદમાં આઉટ પોસ્ટ ચોકીમાં 'મારા પર ખોટી ફરિયાદ કેમ કરે છે' કહી બે પોલીસ કર્મીને મારમાર્યો, 7 લોકોએ હથિયારો સાથે ધસી આવી તોડફોડ કરી

નડિયાદ5 દિવસ પહેલા
  • સમગ્ર ઘટનામાં પોલીસ કર્મીઓ ઘાયલ થતા સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કામગીરી કરી રહી છે. જોકે, કાયદાના રખેવાળ પર પણ હુમલાના બનાવો વધી રહ્યા છે. ગતરાત્રે મહેમદાવાદ રેલવે સ્ટેશન પર આઉટ પોસ્ટ ચોકીમાં 7 લોકોએ તોડફોડ કરી ધમાલ મચાવી હતી. મારા પર ખોટી ફરિયાદ કેમ કરે છે તેમ કહી પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો. જેને લઈ ચકચાર મચી છે. સમગ્ર ઘટનામાં બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. જેઓને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટનાની જાણ વડોદરા પશ્ચિમ રેલવેના ડીવાયએસપીને થતાં તેઓ પણ મહેમદાવાદ પહોંચી ગયા હતા. આ મામલે નડિયાદ રેલવે પોલીસે 7 લોકો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

પોલીસ ચોકીમાં હથીયારો લઈ ધસી આવ્યાં હતા
પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રવિભાઈ અમૃતભાઈ ચૌહાણ ગતરોજ રાત્રે મહેમદાવાદ રેલવે આઉટ પોસ્ટમાં હાજર હતા. તેમની સાથે હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ તથા અન્ય પોલીસ કર્મીઓ હાજર હતા. આ દરમિયાન મેમદાવાદમાં રહેતો સાહિલ ઉર્ફે દિવાન નજીરભાઈ વોરા, સાગર બીપીનભાઈ પરમાર, હિંમતસિંહ પ્રહલાદસિહ સોઢા પરમાર, કિશનભાઇ રમેશભાઈ ઠાકોર, રઈસ તથા અન્ય બે વ્યક્તિઓ મળી કુલ 7 વ્યક્તિઓ મહેમદાવાદ રેલવે આઉટ પોસ્ટ ચોકીમાં હથીયારો લઈ ધસી આવ્યા હતા અને હાજર પોલીસ કર્મચારી રવિભાઈને જણાવ્યું કે, તમે મારા પર ખોટી ફરિયાદો કેમ કરો છો તેમ કહી વાતાવરણ ગરમ કર્યું હતું. મામલો બિચકતાં આક્રોશમા આવેલા સાહિલ ઉર્ફે દિવાન તથા તેના મળતિયાઓએ પોલીસ ચોકીમા તોડફોડ કરી હતી.

બે પોલીસ કર્મી પર જીવલેણ હુમલો
આ ઉપરાંત બહાર નીકળી પથ્થરમારો પણ કર્યો હતો. તેમજ પોલીસ કર્મી રવિ ચૌહાણ તથા દિલીપભાઈને ગંભીર રીતે મારામાર્યો હતો. જેથી આ બન્ને પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘવાતા તેઓને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ કર્મી પર જીવલેણ હુમલો થતાં વડોદરા પશ્ચિમ રેલવેના ડીવાયએસપી મુકેશ ચૌધરી પણ રાતોરાત તાબડતોબ મહેમદાવાદ રેલવે ચોકીમા આવી પહોંચ્યા હતા.

નડિયાદ રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરીલાકડાનો ધોકો તથા છરો અને અન્ય મારક હથિયારો સાથે ધસી આવેલા આ 7 લોકો સામે નડિયાદ રેલવે પોલીસ કર્મી રવિભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 307, 333, 337, 120(B), 143, 147,148,149 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ નડિયાદમાં આરપીએફ પોલીસ પર હુમલાની ઘટના બની હતી.

અન્ય સમાચારો પણ છે...