લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા અકસ્માત:અરેરાના બે વ્યક્તિઓને વસોના પીજ-રામોલ રોડ ઉપર નડ્યો અકસ્માત, બંનેના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેમ્પી એ મોટરસાયકલને ટક્કર મારતા ચાલક અને પાછળ બેઠેલા શખ્સનું મોત
  • વસો પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ખેડા જિલ્લાના વસો પંથકમાં ગતરોજ રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. લગ્નનનુ રીસેપ્શન પતાવી પરત ફરતાં અરેરાના બે વ્યક્તિઓને વસોના પીજ-રામોલ રોડ ઉપર અકસ્માત નડ્યો હતો. જેમાં બંનેના મોત થતા વાળંદ પરિવાર પર આભ ફાટ્યું છે. મોટરસાયકલને ટેમ્પીએ ટક્કર મારતા અકસ્માત થયો હતો. આગળ અન્ય મોટરસાયકલ ચલાવી જતાં દીકરાએ પિતા અને કૌટુંબિક દાદા ન આવતાં ફોન કરતા અકસ્માતની જાણ થઈ હતી. આ બનાવ સંદર્ભે વસો પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

મલાતજ ગામે લગ્નના રિસેપ્શનમાં ગયા હતા

નડિયાદ તાલુકાના અરેરા ગામે ઝોકવાળા ફળિયામાં રહેતા નયનકુમાર સંજયભાઈ વાળંદ પરીવારજનો સાથે ગતરોજ મલાતજ ગામે લગ્નના રિસેપ્શનમાં ગયા હતા. જેમાં નયનકુમાર એક મોટરસાયકલ પર અને અન્ય મોટરસાયકલ પર તેમના સાવકા પિતા ભરતભાઈ ભીખાભાઈ વાળંદ મોટરસાયકલ (GJ 07 BC 4606) હતાં. ભરતભાઈ પોતે મોટરસાયકલ હંકારતા હતા.જ્યારે કુટુંબી દાદા રમેશભાઈ ઉર્ફે ઘનશ્યામભાઈ વાળંદ તેમના મોટરસાયકલ પર પાછળ બેઠા હતા.

આ તમામ લોકો રિસેપ્શન પતાવી આશરે આઠેક વાગે મલાતજથી નીકળેલા અને પરત અરૈરા આવતા હતા. આ દરમિયાન નયનકુમાર પોતે પીજ ચોકડી આવી ઊભા રહ્યા હતા અને તેમની પાછળ તેમના સાવકા પિતા ભરતભાઈ મોટરસાયકલ ચલાવી આવતા હતા. જોકે, તેઓને મોડું થતાં નયનકુમારે તુરંત પોતાના સાવકા પિતાને ફોન કરતા ફોન ઉપાડ્યો નહોતો.

ટેમ્પીએ મોટરસાયકલને ટક્કર મારી હતી

દસેક મિનિટ બાદ ભરતભાઈના મોબાઇલ પરથી અજાણ્યા વ્યક્તિનો નયનકુમારને ફોન આવ્યો અને જણાવ્યું કે પીજ-રામોલ રોડ ઉપર અકસ્માત થયો છે. આથી નયનકુમાર તુરંત પરત પાછા ફર્યા હતા. તેઓએ બનાવ સ્થળે પહોંચતા જાણવા મળ્યું હતું કે પૂરપાટ આવતી અતુલ શક્તિ ટેમ્પી નંબર (GJ 23 Z 0612)એ ઉપરોક્ત ભરતભાઇના મોટરસાયકલને ટક્કર મારી હતી. જેથી ભરતભાઈ વાળંદ તથા રમેશભાઈ વાળંદ બન્ને રોડ ઉપર પટકાયા હતા. આથી ભરતભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે રમેશભાઈ વાળંદનું ટૂંકી સારવાર દરમિયાન આજે વહેલી સવારે મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે નયનકુમાર વાળંદે વસો પોલીસને જાણ કરતા પોલીસે તેઓની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે જેથી વાળંદ પરિવાર પર ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...