ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે જુદાજુદા અકસ્માતના બનાવો બનવા પામ્યા છે. નડિયાદ નજીક અજાણ્યા વાહનની ટક્કરે ભિક્ષુકનુ મોત તો ઠાસરાના બાધરપુરા પાસે ટ્રેક્ટરના ચાલકે રાહદારીને કચડ્યો છે. આ બંને બનાવો સંદર્ભે હદ ધરાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.
ચકલાસી પોલીસે ગુનો નોંધ્યો
ગતરોજ નડિયાદના ચકલાસી ગામ નજીકથી પસાર થતા અમદાવાદ વડોદરાના એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદ તરફ રોડની સાઈડમાં અજાણ્યા ભિક્ષુક જેવા વ્યક્તિનો ઘવાયેલી હાલતમાં મૃતદે મળી આવ્યો હતો. કોઈ અજાણ્યા વાહને આ વ્યક્તિને ટક્કર મારતા આ વ્યક્તિનો મોત થયું હતું આ બનાવ સંદર્ભે રાજુભાઈ છોટાભાઈ વાઘેલાની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
ઠાસરા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો
જ્યારે અન્ય અકસ્માત ઠાસરા પંથકમાં બનવા પામ્યો છે. ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે રહેતા કાંતિભાઈ પ્રભાતભાઈ પરમાર ગતરોજ સાંજના સુમારે ચાલતા બાધરપુરા નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોડ ઉપરથી પસાર થતા ટ્રેક્ટર નંબર (GJ 07 DE 4731)ના ચાલકે કાંતિભાઈને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે કાંતિભાઈ રોડ ઉપર પટકાતા તેઓ બેભાન થયા હતા અને તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ યોગ્ય સારવાર મળે તે પહેલા જ કાંતિભાઈનું મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે મરણજનારના દિકરા સુનિલકુમાર પરમારની ફરિયાદના આધારે ઠાસરા પોલીસે આ ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.