રિમાન્ડ પૂરા થતા આરોપીઓ જેલમાં:નડિયાદ નજીક વાહનો આંતરી લૂંટ કરનારી ટોળકીના બે સભ્યો સબજેલમાં ધકેલાયા, અન્ય એકનું પણ નામ ખુલ્યું, જેની શોધખોળ ચાલું

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લૂંટના બે આરોપી તો પકડાયા પણ એક હજુ પોલીસ પક્કડથી દૂર
  • રિમાન્ડ દરમિયાન પોલીસે રૂપિયા પાંચ હજાર રોકડ જપ્ત કર્યા

નડિયાદ નજીકથી પસાર થતા એક્સપ્રેસ-વે પર વાહનચાલકોને રોકી ચપ્પુ બતાવી લુંટ કરતી ટોળકીના બે સભ્યોને નડિયાદ પોલીસે પકડી પાડયા હતા અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા નડિયાદ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પોલીસે રૂપિયા પાંચ હજાર રોકડા જપ્ત કર્યા છે, જ્યારે અન્ય એકનું નામ ખુલ્યું હતું. પરંતુ તે આરોપી ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસના હાથમાં આવ્યો નથી.

થોડા દિવસ અગાઉ 24 હજારના મુદ્દામાલની લૂંટ થઈ હતી
મોરબીના ગાયત્રી ટ્રાન્સપોર્ટમાં ટ્રક જી.જે.03 બીટી 1777 લઇ ટ્રક ચાલક મીરખાન અને ક્લિનર શબ્બીરખાન પાલનપુરથી પાવડર ભરી જંબુસર જતા હતા. ગત તા. 22 જૂનના રોજ સવારના પાંચેક વાગ્યાના અરસામાં નડિયાદ એક્સપ્રેસવે પરના ડાકોર એક્ઝિટ નજીક ત્રણ અજાણ્યા ઇસમોએ અચાનક ઝાડીમાંથી આવી મીરખાનને પકડી નીચે પાડી દીધા હતા. જ્યારે અન્ય બે ઇસમોએ ખિસ્સામાંથી ચપ્પુ કાઢી બતાવી પેન્ટના ખિસ્સામાં રહેલ પાકીટમાંથી રૂપિયા 19 હજાર અને શબ્બીરનો મોબાઇલ રૂપિયા 5 હજાર મળી કુલ રૂપિયા 24 હજારનો મુદ્દામાલ લઇ ફરાર થઇ ગયા હતા.

અન્ય એક આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો​​​​​​​
આ લૂંટ પ્રકરણમાં નડિયાદ પોલીસે હમીર ઉર્ફે બોડો રમેશ ઓડ અને સાથીદાર કિરણ દશરથભાઈ ઓડને પકડી પાડ્યા હતા. તપાસમાં અન્ય એક લૂંટારા સરવણ રમેશ ઓડનું નામ ખૂલ્યું હતું. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતાં. આ રિમાન્ડ દરમિયાન લૂંટમાં ગયેલો 5 હજારનો મુદ્દામાલ પોલીસે રીકવર કર્યો છે. આરોપીના રિમાન્ડ પુરા થતા તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંન્નેને સબ જેલમાં મોકલી આપવા હુકમ કર્યો છે.આ લૂંટારૂ ટોળકીના એક સાગરીતનું નામ બહાર આવ્યું છે. પરંતુ તે ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસની પકડથી દૂર છે, પોલીસ તેને પકડવા કામે લાગી છે.

અન્ય સમાચારો પણ છે...