ખેડા જિલ્લામાં રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરના બહાર જવાના દરવાજાની નજીક ગતરાત્રે બે આખલા બાખડ્યા હતા. જેથી થોડો સમય ભયનો માહોલ સર્જાયો હતો. સાથે સાથે આવનારા યાત્રાળુઓ તથા સ્થાનિકોમાં આખલાથી બચવા માટે અફરાતફરી મચી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરના બહાર જવાના ઉત્તર દરવાજામાં ગેટ નંબર-2 ઉપર દરવાજાની નજીક બે આખલા બાખડ્યા હતા. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સાથે સાથે યાત્રાળુઓ તથા સ્થાનિકોમાં અફરાતફરી મચી હતી. ભગવાન રણછોડરાયના દર્શનાર્થે આવેલા ભક્તોના પાર્ક કરેલા વાહનો ઉપર આ આખલા પડતા વાહનોમાં નુકસાન પહોંચ્યું હતું.
લોકો દ્વારા પાણીનો છંટકાવ કરી તેમજ લાકડી વડે મારીને મહામુસીબતે અને જીવના જોખમે આ બંન્ને લડતા આખલાઓને છોડાવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મહા મહેનત બાદ આ બે આખલાને વધુ લડતા રોકવામાં સફળતા મળી હતી. ત્યારબાદ દરેકના જીવમાં જીવ આવ્યો હતો. ડાકોર પાલિકા તંત્ર દ્વારા આવા રખડતા પશુઓ પર વહેલી તકે અંકુશ લાવવા ઉગ્ર માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.