મકર સંક્રાતિનું પર્વ એટલે દાન પુણ્યનું પર્વ. આ દિવસે વિવિધ પ્રકારે દાન કરી દાતાઓ પૂન્યનું ભાથુ બાંધતા હોય છે. નડિયાદ સ્થિત શ્રી સંતરામ મંદિર બહાર બેસતા 2 હજાર થી વધારે ભીક્ષુકોને દાન આપવાની શરૂઆત મંદિરના સંતગણ દ્વારા કરવામાં આવે છે. અને આ માટે મકરસક્રાંતિના આગલા દિવસે 10 હજાર કરતા વધારે લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. લાડુની પ્રસાદી સાથે રૂ.1 દરેક ભિક્ષુકને સંતો દ્વારા આપવામાં આવશે. જે બાદ અન્ય ભક્તો યથાશક્તિ દાન કરશે.
મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્યનો મહિમા હોઈ શ્રી સંતરામ મહારાજના સાનિધ્યમાં દાન કરવા અને દાન મેળવવા મોટી સંખ્યામાં લોકો સંતરામ રોડ પર ઉમટી પડતા હોય છે. શ્રી સંતરામ મંદિરમાં અપાર શ્રદ્ધા રાખતા ભક્તો અહી દાન કરવા આવતા હોઈ મંદિરના સંતો દ્વારા સૌ પ્રથમ ભિક્ષુકોને દાનની શરૂઆત કરવામાં આવે છે. જે માટે મકરસંક્રાંતિના આગલા દિવસ એટલે કે શુક્રવારે મંદિરના રસોડામાં 10 હજાર કરતા વધારે લાડુ તૈયાર કરી દેવાયા છે. પૂ.રામદાસજી મહારાજ ના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ ગરીબોને દાન કરવામાં આવતુ હોય છે. જે માટે પૂ.નિર્ગુણદાસજી મહારાજની નિશ્રામાં લાડુ તૈયાર કરવામાં આવે છે.ં
લાડુ બનાવવા પાંચ ડબ્બા ચોખ્ખુ ઘી વાપરવામાં આવશે
10 હજારથી વધુ લાડુ બનાવવા માટે 100 કિલો સોજી, 100 કિલો ઘઉનો કકરો લોટ, 40 કિલો ચણાનો કકરો લોટ, 120 કિલો દળેલી મોરસ, પાંચ ડબ્બા ચોખ્ખું ઘી અને પાંચ કિલો તેલનો ઉપયોગ થાય છે. રસોઈયા ભગવતી ભાઈ વ્યાસ અને તેમની ટીમ દ્વારા સામગ્રી નો ઉપયોગ કરી લાડુ તૈયાર કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.