ધારાસભ્યને ધમકી આપનારની ધરપકડ:આણંદના યુવાને પાસપોર્ટ ન નીકળતાં નડિયાદના ધારાસભ્યને Ak 47 લાવીને નડિયાદમાં જુલુસ કાઢવાની ધમકી આપી

નડિયાદ3 મહિનો પહેલા
  • મોટરસાયકલ ડીટેઇનના ગુનામાં પાસપોર્ટ ન નીકળતો હોવાનું માની પાસપોર્ટની ઝડપી કામગીરી કરવા અનેક ફોન કર્યા હતા

આણંદના યુવાને રાજકારણી નેતાને ધમકી આપવી ભારે પડી છે. મોટરસાયકલ ડીટેઇનના ગુનામાં પાસપોર્ટ ન નીકળતો હોવાનું માની પાસપોર્ટની ઝડપી કામગીરી કરવા માટે આણંદના યુવાને નડિયાદના ધારાસભ્ય અને મુખ્યદંડકને ફોન કરી ભલામણ કરી હતી અને છેલ્લે કામ ન થતાં અમદાવાદથી માણસો બોલાવી Ak 47 લાવીને નડિયાદ શહેરમાં જુલુસ કાઢીશુ તેવી ટેલીફોનીક ધમકી નડિયાદના ધારાસભ્યને આપી હતી. જે બાબતે પોલીસે ધમકી આપનાર ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત 7 જુલાઈના રોજ વસીમે પંકજ દેસાઈનો ટેલીફોન સાધ્યો હતો
આણંદ શહેરના સલાટીયા રોડ ઉપર ભોજા કોમ્પલેક્ષ પાસે હાનીયા પાર્ક સોસાયટીમાં રહેતા વસીમભાઈ ઇલ્યાસભાઈ વોહરા નામના શખ્સે ચારેક વખત નડિયાદના ધારાસભ્ય અને મુખ્ય દંડક પંકજ દેસાઈનો ટેલીફોન સંપર્ક કર્યો હતો. પોતાનો પાસપોર્ટ ન નીકળતા ભલામણ માટે આજીજી કરતો હતો. ગત 7 જુલાઈના રોજ વસીમે પંકજ દેસાઈનો ટેલીફોન સાધ્યો હતો અને પાસપોર્ટ માટે ભલામણ કરી હતી. આ અગાઉ વારંવાર ફોન કરવા છતાં કામ ન થતાં આક્રોશમાં આવેલા વસીમે આ વખતે મુખ્ય દંડક પંકજ દેસાઈને ધમકી આપતા જણાવ્યું કે અમદાવાદથી માણસો બોલાવી Ak 47 લાવીને નડિયાદ શહેરમાં જુલુસ કાઢીશુ તેવી ધમકી આપી હતી.

આવી ખોટી ભલામણ કરવાની ના પાડતા આ રીતે ધમકી આપી હોવાનું બહાર આવ્યું
આ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી ધમકી આપનાર આણંદના યુવાન વસીમભાઈ ઇલ્યાસભાઈ વોહરાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે કોરોના સમયમાં તેનુ મોટરસાયકલ ડીટેન થયુ હતું. જે મામલે ગુનો બન્યો હતો અને તેથી તેનો‌ પાસપોર્ટ ઈસ્યુ ન થતો હોવાનો અંદાજ હોવાથી પાસપોર્ટની કામગીરીમા અડચણ આવતી હતી.‌ જેથી અમદાવાદની પાસપોર્ટ કચેરીમા ભલામણ કરવા વસીમે પંકજભાઈ દેસાઈને કહ્યું હતું. અને આવી ખોટી ભલામણ કરવાની ના પાડતા આ રીતે ધમકી આપી હોવાનું જણાવ્યું છે.

યુવાનનો કોઈ એવો હેતુ નહોતો : પોલીસ
પોલીસે આરોપી વસીમ વ્હોરાનુ બેકગ્રાઉન્ડ જાણતા‌ તે ફેરી કરતો હતો અને કોઈપણ જાતના ગુનામાં સંડોવાયેલા ન હોવાનું બહાર આવ્યું છે. વસીમની ધનિષ્ઠ પુછપરછમા તેણે જણાવ્યું હતું કે તેના પોતાના સગાવાલા વિદેશમાં હોવાથી ત્યા જવાની ઈચ્છા હતી. પરંતુ પાસપોર્ટ અમદાવાદ ઓફિસ ખાતે પેન્ડિંગમાં હોવાથી તે જઈ શકતો ન હતો. ગુગલ પરથી ધારાસભ્ય અને મુખ્યદંડકનો નંબર મેળવ્યો હતો. તો બીજી બાજુ પોલીસે જણાવ્યું છે કે વસીમે આક્રોશમાં આવી ફક્ત ધમકી આપી છે તેનો કોઈ એવો હેતુ નહોતો અને તેનુ બેકગ્રાઉન્ડ પણ ગુનાહિત પ્રવૃત્તિ વગરનું છે.

અન્ય સમાચારો પણ છે...