તંત્ર સમક્ષ રજૂઆત:નડિયાદમાં બિન ઉપયોગી પડી રહેલા ટાઉન હોલમાં જિલ્લા ગ્રંથાલય ખસેડાઈ તેવી માગ ઉઠી

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ગ્રંથાલય માટે ફાળવવામાં આવેલી 5 કરોડની ગ્રાંટ પણ વગર વપરાશે પડી રહી છે
  • જિલ્લા કોંગ્રેસ લીગલ સેલના જે.જી. તલાટીએ તંત્ર સમક્ષ રજૂઆત કરી

નડિયાદમાં જિલ્લા ગ્રંથાલય શહેરના સરદાર ભવનમા ચાલી રહ્યુ છે. તેના બદલે આ ગ્રંથાલયને બિન ઉપયોગી પડી રહેલા ટાઉન હોલમાં ખસેડવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કોંગ્રેસ લીગલ સેલના જે.જી. તલાટીએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. જિલ્લા ગ્રંથાલય માટે 5 કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી છે તે પણ વગર વપરાશે પડી રહી છે અને જો નહી વપરાય તો પરત મોકલી દેવી પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યાં છે.

જિલ્લા ગ્રંથાલય હાલ સરદાર ભવનમા ચાલી રહ્યુ છે
સાક્ષરભૂમિ નડિયાદના સાક્ષરો જગવિખ્યાત છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, ક.મા.મુનશી, રસકવિ રઘુનાથ બ્રહમભટ્ટ, બાલાશંકર કંથારીયા વગેરેની તપોભૂમિ આ નડિયાદ છે. આ ઉપરાંત આઝાદીની ચળવળમાં ભાગ લેનાર ઈન્દુલાલ યાજ્ઞિક, મણીભાઈ ત્રિવેદી વગેરે જગવિખ્યાત હસ્તિઓ નડિયાદ શહેરને પોતાના કર્મભૂમિ બનાવેલ છે અને સમગ્ર ખેડા જિલ્લાનું વડુ મથક આ નડિયાદ શહેર છે. જયાં અસંખ્ય કોલેજો, યુનિવર્સીટીઓ તથા અન્ય શિક્ષણ આપનાર સંસ્થાઓ અસ્તિત્વમાં છે. આ સંજોગોમાં ગ્રંથાલયનું મહત્વ કેવું અને કેટલું હોય તે સમજી શકાય છે. હાલમાં જિલ્લા ગ્રંથાલય શહેરના સરદાર ભવનમા ચાલી રહ્યું છે. પરંતુ આ ગ્રંથાલયને અન્યત્ર સારી જગ્યાએ અને ભૌતિક સુખ સુવિધા સાથે ખસેડાય તેવી માગ ઉઠી છે.
ટાઉન હોલ હાલ અસામાજિક તત્વોનો અડીંગો બની ગયો છે
નડિયાદ રેલવે સ્ટેશન સામે જુની સબજેલને અડીને આવેલા ખંડેર હાલતમાં પડી રહેલા ટાઉનહોલની જગ્યાનો સદઉપયોગ કરી ત્યાં જિલ્લા ગ્રંથાલય માટે જગ્યા ફાળવવામાં આવે તેવી માગણી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલના જે.જી. તલાટીએ તંત્ર સમક્ષ કરી છે. આ ટાઉન હોલ હાલ અસામાજિક તત્વોનો અડીંગો બની ગયો છે. ત્યારે આ જગ્યાનો સદઉપયોગ કરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે. નડિયાદ શહેરમા રોજબરોજ હજારો લોકો અહીંયા આવે છે ખાસ કરીને વિદ્યાર્થીઓ આસપાસના ગામડામાંથી ભણવા માટે આવે છે. ત્યારે અહીંયા જિલ્લા ગ્રંથાલય ખસેડાય તો તેઓને વોકિંગ ડિસ્ટન્સથી રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ નજીક પડે છે જેથી વાંચકોને તકલીફ ન પડે તેવી રજૂઆત કરવામાં આવી છે.
ટાઉનહોલની જગ્યા છેલ્લા આશરે 15 વર્ષથી પડતર પડેલી છે
વધુમા જિલ્લા ગ્રંથાલય માટે હાલ 5 કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી છે. તે વગર વપરાશે પડી રહી છે જો‌ સમયસર તેનો ઉપયોગ નહીં કરવામાં આવે તો આ ગ્રાન્ટ પરત મોકલી દેવી પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. આવા સંજોગોમાં યોગ્ય રસ દાખવી ટાઉનહોલ વાળી જગ્યાએ જો જિલ્લા ગ્રંથાલયને ફાળવવા માટે યોગ્ય આદેશો થાય એ અત્યંત આવશ્યક છે. હાલની ચાલી રહેલ પરિસ્થિતીમાં પ્રજાની વાંચન પ્રત્યેની ભુખ એટલી રહી નથી. જો આપણે કેળવી શકીએ તો તેને સમાજ પ્રત્યેનું રૂણ અદા કર્યાની આત્મતૃપ્તિ ગણી શકાશે. તેવી રજૂઆત કરવામાં આવી છે. હાલ આ ટાઉનહોલની જગ્યા છેલ્લા આશરે 15 વર્ષથી પડતર પડેલી છે. જેમાં ગેરકાયદેસરની પ્રવૃતિ ચાલી રહેલ છે. જે અટકાવી જિલ્લાની લાઈબ્રેરી બનશે તો નડિયાદની પ્રજાને તેનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...