નડિયાદ પાલિકાને મહાનગરપાલિકા બનાવવા અને શહેરમાં ખુલ્લા કાંસ સહિતના 11 મુદ્દાઓ ટાંકી પશ્ચિમ નાગરિક સમિતિએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. દિવ્યભાસ્કર ડિજિટલ દ્વારા પ્રસારિત થયેલા ખુલ્લા કાંસના અહેવાલ બાદ તંત્રને આ મામલે ઢંઢોળવાનુ કામ આ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે અને આ મુદ્દાઓની ચર્ચા કરી મહત્વના મુદ્દાઓ આગામી સમયમાં નિરાકરણ લાવવામા આવે તેવી માંગ પ્રબળ બની છે.
નડિયાદને મહાનગરપાલિકા બનાવવા રજૂઆત કરવામાં આવી
પશ્ચિમ નાગરિક સમિતિએ કલેકટરને ઉલ્લેખી અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, નડિયાદ શહેરમાં જે ખેડા જિલ્લાનું મહત્વનું શહેર છે અને તેની વસ્તી દિવસ અને દિવસે વધી રહે છે અમે અગાઉ અવારનવાર નગરપાલિકાને બદલે મહાનગરપાલિકા કરવા રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી તે માંગણી સ્વીકારી નથી તો આ માંગણી વહેલી તકે સ્વીકારવા માંગ કરી છે.
પ્રકાશિત થયેલા અહેવાલ બાદ તંત્રને આ મામલે ઢંઢોળવાનુ કામ આ સમિતિ દ્વારા કરવામાં આવ્યું
આ સાથે શહેરના મુખ્ય રસ્તાઓ પરના કેટલાક કાંસ ખુલ્લા છે. જેના કારણે મોટી જાનહાનિ સર્જાવાની ભીતિ છે. ખાસ કરીને શહેરના સંતરામ રોડથી માઈ મંદિર તરફના ખાંચામાં આવેલ કાંસ છેલ્લા કેટલાય સમયથી ખુલ્લો છે. અહીંયા વાહનોની અવરજવરની સાથે સાથે રાહદારીઓની પણ અવરજવર રહે છે. આ ખુલ્લો કાંસ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અથવા તો રોડ છે ત્યાં સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે ગતરોજ દિવ્યભાસ્કર ડિજિટલએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને અહેવાલ પ્રકાશિત કર્યો હતો. અને આ અહેવાલ બાદ તંત્રને આ મામલે ઢંઢોળવાનુ કામ આ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.
વૈશાલી ગરનાળુ પહોળુ કરવુ, પશ્ચિમમા સ્મશાનગૃહ, ફાયર વિભાગની સુવિધાઓ આપવી
વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે, શહેરમાં સીટી બસની ખાસ જરૂરિયાત છે. અગાઉ સીટી બસ શરૂ કરેલ અને તે અગમ્ય કારણોસર બંધ કરેલ છે. શહેરમાં શ્રેયસ ગરનાળાને મોટું કરતાં પાણીનો નિકાલ ઝડપથી થાય છે. અગાઉ આ ગરનાળામાં પાણી ભરાઈ રહેતા જેથી વરસાદી સિઝનમાં શહેર બે ભાગમાં વહેંચાઈ જતું હતું. આ ગરનાળુ મોટું કરી પાણીના નિકાલની સારી વ્યવસ્થા થતાં નાગરિકો રાહત અનુભવે છે, અને વૈશાલી ગરનાળુ પણ મોટું કરવા જણાવાયું છે. જૂની જેલની જગ્યાનો સદઉપયોગ કરવાની જરૂરિયાત છે. ઓપન એર થીયેટર, ટાઉન હોલનું નવીનીકરણ કરવું, જિલ્લામાં લાયબ્રેરી માટે જગ્યા ફાળવવી નડિયાદ પશ્ચિમમાં આગ્નિશામક સેન્ટર, સ્મશાનગૃહ બનાવવા, શહેરમાં બેરોજગારી દૂર કરવા નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તથા શહેરમા રખડતાં ઢોરો, કૂતરા, ભૂંડનો ત્રાસ દૂર કરવા માંગ કરી છે. આ પ્રસંગે સમિતિના પ્રમુખ નરેન્દ્ર નકુમ, કાંતિભાઈ શર્મા ઘનશ્યામભાઈ કા. પટેલ, રમેશભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.