તસ્કરી:કંપનીના ગાર્ડ સહિતની ત્રિપુટીએ 4.98 લાખના સામાનની ચોરી કરી

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લસુન્દ્રા-ડાકોર રોડ પરની ટ્રાન્ફોર્મરની કંપનીની ઘટના
  • રિક્ષામાં ત્રણ ડીપી અને કોપરના વાયરો ઉઠાવી ગયાં

કઠલાલ તાલુકાના લસુન્દ્રા-ડાકોર રોડ પર આવેલ કંપનીના સિકયુરીટી કર્મચારી મળી કુલ ત્રણ વ્યક્તિઓએ કંપનીમાં ચોરી કરી હતી. જે અંગે તપાસ કરતા ત્રણ ડી.પી અને કોપરના વાયરો મળી કુલ રૂ 4 લાખ 98 હજારની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો છે.

અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા દિપકભાઇ મિશ્રા લસુન્દ્રા-ડાકોર રોડ પર મીહીર ટ્રાન્સ્ફોર્મર નામની કંપની ધરાવે છે કંપનીમાં કુલ-9 વ્યક્તિઓનો સ્ટાફ છે જે કંપની પાછળ આવેલ ઓરડીમાં રહે છે. તા.25 ઓગસ્ટના રોજ તેમની કંપનીમાં નડિયાદ અને ગોધરા ડિવિઝનની ડી.પી રીપેર કરવા માટે આવી હતી. તેમજ તા.17 ઓગસ્ટના રોજ તેમણે અમદાવાદના ઓઢવ થી કોપર વાયરની છ રીલ ખરીદી હતી.

તા.1 સપ્ટેમ્બરના રોજ તેઓ કંપની પર આવતા રીપેર કરવા આવેલા ત્રણેય ડી.પી અને કોપરના વાયરો જોવા મળ્યા ન હતા. જેથી પૂછપરછ કરતા જાણવા મળેલ કે જીતુ ચૌધરી, ઉમેશ યાદવ અને સિક્યુરિટી આર્યન યાદવ રીક્ષામાં વાયરો ભરીને ક્યાંક લઇ જતા હોવાનું જણાવ્યુ હતુ.

જે અંગે તપાસ કરતા વાયરો આશરે 80 કિલો કિ રૂ 48 હજાર, વાયરોની છ રીલ વજન આશરે 600 કિલો કિ રૂ 4 લાખ 50 હજાર મળી કુલ રૂ 4,98,000 ની મત્તાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. દિપકભાઇ રામપ્રતાપ મિશ્રાની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...