શ્રધ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની શી જરૂર છે. આધુનિક યુગમાં પણ કેટલીક વાર એવા ચમત્કારો સર્જાતા હોય છે. ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામે ગ્રામજનો હોળીના સળગતાં અંગારા ઉપર ચાલીને હોળી પર્વની ઉજવણી કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે.
ઢોલ- ઢબુકે એટલે સૌ ગ્રામજનો ભેગા થાય
ખેડા જિલ્લાના વસો તાલુકામાં આવેલ પલાણા ગામમાં આશરે 5થી 6 હજારની વસ્તી છે. ગ્રામજનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અહીંના રહીશો છેલ્લા કેટલાક સમયથી લંડન-અમેરીકા તથા આફ્રિકા સ્થાયી થયેલા છે. હોળીનું પર્વ એટલે ગામમાં મેળા જેવું વાતાવરણ સર્જાય છે. છેલ્લા ઘણા વર્ષ ઉપરાંતથી ગામની ભાગોળે ટાવર પાસે હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીના દિવસે સાંજે 6 કલાકે ગ્રામ પંચાયત કચેરી પાસેથી સરપંચ હાર્દિક પટેલની આગેવાનીમાં ઢોલ- ઢબુકે એટલે સૌ ગ્રામજનો ભેગા થાય છે. અને ઢોલ નગારા અને ત્રાસા સાથે સૌ ગ્રામજનો ભેગા થઇ બસ સ્ટેન્ડ ટાવર પાસે હોળી પ્રાગટય સ્થાને પહોંચે છે.
ખેડા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે
ત્યાં ભુદેવ દ્વારા શાસ્ત્રોકત પૂજન વિધિ બાદ સાંજે 7 કલાકે હોળી પ્રગટાવવામાં આવે છે. સૌ ગ્રામજનો હોળીની પ્રદિક્ષિણા કર્યા બાદ ઘરે જાય છે. જયારે યુવાનો આ હોળી સંપૂર્ણ પ્રગટી ગયા બાદ અંગારા લોખંડના તાર વડે પાથરે છે. રાત્રે નવ વાગે ફરી સંપૂર્ણ હોળીની જગ્યાએ એકઠા થઇ ત્યારબાદ મોટા અંગારા ઉપર હસતાં- રમતાં યુવાનો યુવાન-યુવતીઓ ચાલે છે. આ સળગતાં અંગારા પર ચાલતા ગ્રામજનો જોવા માટે સમગ્ર ખેડા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. તેમજ હોળીને તહેવારને ધ્યાનમાં લઇને સુંદર મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં દૂધની ડેરીના કમ્પાઉન્ડમાં ચગડોળ-ટોરાટોરા તેમજ અન્ય ખાણીપીણીની લારીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. હોળીના સળગતાં અંગારા આશરે 35 થી 40 ફુટ જેટલી ગોળાઇમાં પથરાયેલા હોય છે અને આ અંગારા ઉપર ગ્રામજનો ચાલે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.