ભાસ્કર લાઇવ:મંગળા માટે દ્વાર ખુલ્યાને 5 મિનિટમાં મંદિર 25 હજારથી વધુ ભક્તોથી ઉભરાયું

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોમતી ઘાટ પર ભજનની રમઝટ બોલાવતી મંડળી સમય - રાત્રે 11.15 - Divya Bhaskar
ગોમતી ઘાટ પર ભજનની રમઝટ બોલાવતી મંડળી સમય - રાત્રે 11.15
  • 54 કિમીની પદયાત્રા, 6 થી 8નો ઉજાગરો છતાં ભક્તોઅે ડાકોરની ગલીઅોમાં ભજનની રમઝટ બોલાવી, 2.50લાખ લોકોઅે દર્શન કર્યાં

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમે રાત્રે 11 વાગે ભાસ્કર ની ટીમ ડાકોર ની ગલીઓ માં પ્રવેશી ત્યારે જાણે રાત્રે દિવસ ઉગ્યો હોય તેવો માહોલ દેખાતો હતો. દેર ગલીઅોમાં ચહલપહલથી ધમધમતી હતી. જ્યાં દૂર દૂરથી પગપાળા આવેલા ભક્તો વરસાદ વચ્ચે રોડ પર બેસીને પ્રભુના દર્શન ખુલવાની રાહ જોતા હતા. વરસાદને કારણે વાતાવરણ માં ઠંડી નો માહોલ છવાયો હતો, પણ મેઘરાજા ભક્તો ની ભક્તિ ને ડગાવી શક્ય ન હતા. આખી રાત ડાકોરની ગલીઓમાં કૃષ્ણ ઘેલા ભક્તોની ભીડ જામી હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલા ભક્તો અને ભજન મંડળીઓ પ્રભુ નામનું સ્મરણ કરતા જોવા મળ્યા.

દર્શન માટે રાહ જોતા ભક્તો સમય - મળસ્કે 4.35
દર્શન માટે રાહ જોતા ભક્તો સમય - મળસ્કે 4.35

ઢોલ, મંજીરા ના તાલે ભજન મંડળીઓએ.. રસ પીલા રાય રણછોડ વસો મારા રૂદીયા માં, ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જેવા ભજન ના સૂર રેલાવ્યા હતાં. જેની સાથે હાજર ભક્તો રણછોડ મય બની ઝૂમવા લાગ્યા હતા. મણિનગર થી આવેલા સંગીતાબેન ગજ્જર એ જણાવ્યું હતું કે હું અને મારી દિકરી 75 કિમી નું અંતર કાપી ને આવ્યા છીએ, પણ મને હજુ થાક લાગ્યો નથી. બસ મંદિર ના દ્વાર ખૂલે અને કાનાના દર્શન કરવા મળે એની રાહ જોઈ રહી છું.

54 કીમીની પદયાત્રા અને આખી રાતનો ઉજાગરો કરી ડાકોરની ગલીઓમાં બેસી રહેલા ભક્તો માટે આખરે એ સમય આવી ગયો, જે ક્ષણની તેઓ આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા. મળસ્કે બરાબર ચાર વાગે મંગળા આરતી સમયે મંદિરના દ્વાર ખુલતા જ ભક્તો એ રણછોડરાયના દર્શન કરવા રીતસરની દોટ મૂકી હતી. જેની પાંચ જ મિનિટમાં આખું નીજ મંદિર પરિષદ 25 હજાર કરતા વધુ ભક્તો થી ભરાઈ ગયું હતું. ભગવાનના દર્શન કરતા ની સાથે જ ભકતોનો આખી રાતનો ઉજાગરો, પદયાત્રાનો થાક જાણેકે ગાયબ થઈગયા હતા.

મંગળા આરતી બાદ શ્રીજી ભગવાનને કેસર સ્નાન અને પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું, જે બાદ ભગવાનને સુંદર વસ્ત્રો અને કિમતી આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો. ફાગણી પૂનમ ના શણગારમાં પ્રભુ સાક્ષાત રાજા રણછોડ દ્રશ્યમાન થતા હતા.સવારે 8 વાગ્યાના અરસામાં ભગવાને બાળ ભોગ, ગોવાળ ભોગ અને શણગાર ભોગ એમ ત્રણે ભોગ એક સાથે ધરાવવામાં આવ્યા હતા. જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.

ભોગ આરોગ્યા બાદ ભગવાનને અબીલ ગુલાલ અને સોના ચાંદીની પિચકારી અર્પણ કરવામાં હતી. દરમિયાન વારાદારી સેવકોએ વૈષ્ણવો પર પ્રસાદીના અબીલ ગુલાલની છોળો ઉડાડી હતી. પ્રસાદીના રંગે રંગાઈ ભક્તો ધન્ય બન્યા હતા. ત્યાર બાદ અાખો દિવસ તબક્કાવાર દર્શન માટે ભીડ જામતી રહી હતી. મંગળવારે સવારથી સાંજ સુધી 2.50 લાખ લોકોઅે રણછોડરાયના દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...