રજૂઆત:નડિયાદ જેલ પાસે હોટલનું બાંધકામ પુન: શરૂ થતાં અધિક્ષક ભડક્યાં

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સપ્ટેમ્બર 2019માં તંત્રે અનઅધિકૃત બાંધકામ અટકાવ્યું હતું : જિલ્લા કલેક્ટરને કાર્યવાહી કરવા લેખિત રજૂઆત

નડિયાદ જિલ્લા જેલની મુખ્ય દિવાલથી પશ્ચિમ દિશામાં અને રેલ્વે લાઈનને અડીને ઉભુ કરવામાં આવેલ દબાણ વર્ષ 2019માં તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ જેતે સમયે અધૂરૂ તોડેલ દબાણ માથાભારે ઈસમો દ્વારા ફરી બનાવવાની કાર્યવાહી શરૂ કરતા જિલ્લા જેલ અધિક્ષકે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે અને બાંધકામ અટકાવવા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે.

જેલ અધિક્ષક દ્વારા કલેક્ટરને લખેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે જેલ નિયમોનુસાર જેલની મુખ્ય દિવાલથી 220 વાર સુધીમાં કોઈ પણ ખાનગી બાંધકામ થઈ શકે નહી. પરંતુ જેલની મુખ્ય દિવાલથી બિલોદરા ફાટક તરફ આશિષભાઈ ભાનુપ્રસાદ બારોટ દ્વારા હોટલ તથા પતરાના શેડનું અનઅધિકૃત બાંધકામ હાલમાં ચાલી રહ્યું હોવાની માહિતી મળી છે.

અગાઉ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.20 સપ્ટેમ્બર 2019ના રોજ આ સ્થળ પરનું અનઅધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ ફરીથી બાંધકામની કામગીરી શરૂ થઈ હોઈ અગાઉ પણ પત્ર લખી કામગીરી રોકવા જાણ કરવામાં આવી છે. જેલની મુખ્ય દિવાલથી 220 વારમાં બાંધકામ કરતા પૂર્વે જેલોના ઇન્સ્પેક્ટર જનરલની પરવાનગી લેવી જરૂરી છે જે લેવામાં આવી નથી. જેથી આ બાંધકામ અટકાવવા માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

કાગળ પર નામ આશિષ બારોટનું પરંતુ બાંધકામ ભાનુ ભરવાડનું
સૌ કોઈ જાણે છે તે મુજબ આ જગ્યા આશિષ બારોટ નામના ઈસમની છે. પરંતુ અગાઉ આજ સ્થળ પર ભાજપના પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડ દ્વારા ગેરકાયદેસર બિલ્ડીંગ તાણી બાંધવામાં આવ્યું હતું. જે વર્ષ 2019માં તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ ફરિવાર આજ જગ્યા પર અનઅધિકૃત બાંધકામ શરૂ થતા જિલ્લા વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ખુદ જિલ્લા અધિક્ષક દ્વારા કરવામાં આવી છે.

અગાઉ અધુરૂ દબાણ તોડાયું હતું
વર્ષ 2019માં જ્યારે આ દબાણ તોડવામાં આવ્યું ત્યારે હોટલનો અમુક ભાગ જ તોડવામાં આવ્યો હતો. બાકીનો ભાગ જૈસે થે હાલતમાં છોડી દેવામાં આવી હતી. તે સમયે લોક ચર્ચા હતી કે તંત્ર દ્વારા અધૂરૂ દબાણ તોડાયું છે, જેમાં ધીરે ધીરે બાંધકામ શરૂ થશે. પરંતુ કોરોના કાળ બાદ કામગીરી બંધ રહ્યા બાદ હવે ફરીથી બાંધકામ શરૂ થતા જુનો વિવાદ તાજો થયો છે.

અન્ય સમાચારો પણ છે...