આજે સ્કૂલનો છેલ્લો દિવસ:ખેડા જિલ્લાના વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો, 35 દિવસના ઉનાળુ વેકેશનનો પ્રારંભ

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણામને લઈ વિદ્યાર્થીઓના માવતરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો
  • વિદ્યાર્થીઓ સમર કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓમાં જોતરાઈ જશે

ખેડા જિલ્લાની મોટાભાગની શાળાઓમાં આજે વાર્ષિક પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેના પગલે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રેષ્ઠ નંબરે પાસ થનાર વિદ્યાર્થીઓના સંબંધીઓએ મીઠાઈની વહેંચણી કરી હતી અને પોતાના પુત્રના પરિણામને વધાવી લીધો હતો. તો ઘણા વિદ્યાર્થીઓમાં ઓછા માર્ક્સને લઈને નારાજગી જોવા મળી હતી.

ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયત, નગરપાલિકા સંચાલિત તેમજ ખાનગી શાળાઓની સંખ્યા વિશેષ છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના પરિણામ જૂન મહિનાની આસપાસ આવનાર છે. જ્યારે આજે ધોરણ એકથી નવ અને ધોરણ 11ના પરિણામો મોટાભાગની શાળાએ આપી દીધા છે. આજે પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓ પરિણામ જાણવા માટે સવારે શાળાએ પહોંચી ગયા હતા અને સારા નંબર આવનાર વિદ્યાર્થીઓને શાળાના સ્ટાફ સહિત શિક્ષકે બિરદાવ્યા હતા. આ પરિણામને લઈ વિદ્યાર્થીઓના માવતરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓના માવતરે પાડોશીઓને મીઠાઈ ખવડાવી હતી.

આજથી 35 દિવસનું વેકેશન શરૂ થાય છે. જો કે ઉનાળું વેકેશનમાં વિવિધ ઠેકાણે સમર કેમ્પ પણ યોજાય છે. આવા સમર કેમ્પમાં શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. હવે આવનારા સમયમાં બાળકો આનંદની સાથે સાથે આવા સમર કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિ કરશે. વિદ્યાર્થી વગરની શાળાઓ હવે 35 દિવસ માટે સૂમસામ બની જશે.

અન્ય સમાચારો પણ છે...