ધોધમાર વરસાદ:નડિયાદમા સમી સાંજે વરસાદ તૂટી પડ્યો, ઠેરઠેર પાણી ભરાતાં મુશ્કેલીમાં વધારો થયો

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાફ અને ઉકળાટથી ત્રાહિમામ શહેરીજનોને વરસાદથી રાહત

ખેડા જિલ્લાના વડા મથકમાં શનિવારે સમી સાંજે ભારે વાવાઝોડા સાથે એકાએક વરસાદ તૂટી પડ્યો છે. બાફ અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠેલા શહેરીજનોને વરસાદથી રાહત મળી છે. વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી નડિયાદ તરબોળ બન્યું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

પવનના સૂસવાટા સાથે વરસાદ
ભાદરવી પૂનમના રોજ નડિયાદમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. શનિવારે બપોર બાદ ઢળતી સાંજે વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદે જમાવટ કરતા ગરમીથી ત્રસ્ત લોકો વરસાદમાં નાહવા નીકળી પડ્યા હતા. નડિયાદ શહેર ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ સમી સાંજે વરસાદ વરસ્યો છે. માતર સહીતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. પવનના સૂસવાટા સાથે વરસાદી માહોલે જમાવટ કરી દીધી છે. આ ઉપરાંત વીજળીના કડાકા ભડાકા સાથે જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કેટલાક વાહનો પાણીમાથી પસાર થતા તેઓના વાહનો બંધ થઈ ગયા
નડિયાદમા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત ગરનાળાઓમા પણ વરસાદી પાણીથી છલોછલ થઈ ગયા હતા. આ પાણી ભરાતાં ખાસ કરીને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો વળી કેટલાક વાહનો પાણીમાથી પસાર થતા તેઓના વાહનો બંધ થઈ ગયા હતા. આમ વરસાદ પડતા જ નગરજનોને મુશ્કેલીમા વધારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...