દારૂની હેરાફેરી:રાજસ્થાનથી કારમાં લવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો મહુધાના બગડુ પાસેથી પોલીસે ઝડપી લીધો

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણ પર્વ નજીક આવતાં દારૂની મોસમ ખીલી ઊઠી છે. બહારના રાજ્યમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠલવાઈ રહ્યો છે. રાજસ્થાનથી કારમાં લવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ખેડા જિલ્લાના મહુધા પાસેના બગડુ પાસેથી એલસીબી પોલીસે પકડી લીધો છે. આ દારૂનો જથ્થો નડિયાદના બુટલેગરે મંગાવ્યો હતો. કાર નડિયાદ સુધી તો પહોંચી ગઈ પણ સીટીના નાકે વોચમા ઊભેલી પોલીસને જોઇને આ કાર ચાલકે યુ ટર્ન લેતાં પોલીસે વાહનનો પીછો કરી રૂપિયા 2.72 લાખનો વિદેશી દારૂ સાથે કાર ચાલકને ઝડપી લીધો છે.

પોલીસે મહુધા તાલુકાના બગડુ ગામ નજીકથી આ કારને અટકાવી
જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને બાતમી મળી હતી કે, નડિયાદમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો કાર લઈને બુટલેગર એન્ટર થનાર છે. જેના કારણે પોલીસે બિલોદરા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ફાટક પાસે ગાડી આવી હતી. જે કાર ચાલકે પોલીસને જોઈને તુરંત ગાડી પરત મહુધા તરફ વાળી દીધી હતી. આ બાદ પોલીસે ઉપરોક્ત કારનો પીછો કર્યો હતો અને આગળ ટી પોઈન્ટ પાસે ઉભેલા મહુધા પોલીસના કર્મીઓને જાણ પણ કરી હતી. આ કાર મહુધા ટી પોઇન્ટ પાસે આવતા ત્યાં પણ પોલીસને જોઈને કારને નડિયાદ તરફ પાછી વાડી દીધી હતી. પોલીસે મહુધા તાલુકાના બગડુ ગામ નજીકથી આ કારને અટકાવી ભાગવા જતા કારચાલકને ઝડપી લીધો હતો.

કારની નંબર પ્લેટ ઉતારી કારમાં દારૂની હેરાફેરી કરાતી હતી
પોલીસે કારચાલકનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ સુરેન્દર સુરજરામ જાટ ચૌધરી (રહે.ગુડા, તા.લુણી, જોધપુર) હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 239 કિંમત રૂપિયા 2 લાખ 72 હજાર 980નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં આ કારને આગળ પાછળ નંબર પ્લેટ લગાવેલી નહોતી. તો કારની સીટ પરથી છુટી નંબર પ્લેટ મળી આવી હતી. જે બાબતે પુછતાછ કરતાં કાર ચાલકે જણાવ્યું કે, કારની નંબર પ્લેટ ઉતારી કારમાં દારૂની હેરાફેરી કરાતી હતી જેથી પોલીસ પકડી શકે નહી.

નડિયાદમાં આવી મોબાઈલ નંબર ઉપર ફોન કરી જાણ કરવાની હતી
આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોણે લઇ આપ્યો તેમજ કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ કરતાં ઝડપાયેલા કાર ચાલકે જણાવ્યું કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનના બિચ્છુવાડા રોડ ઉપરથી પ્રકાશ નામના વ્યક્તિએ મને આપ્યો હતો અને નડિયાદના બુટલેગરનો મોબાઈલ નંબર આપ્યો હતો. જ્યાં આ દારૂ પહોંચાડવાનો હતો. નડિયાદ શહેરમાં આવી આ નંબર ઉપર ફોન કરી જાણ કરવાની હતી. તેમ જણાવ્યું હતું. આથી પોલીસે ઉપરોક્ત કારચાલકની સાથે સાથે મુદ્દામાલ મોકલનાર તેમજ મુદ્દામાલ મંગાવનાર મળી કુલ ત્રણ વ્યક્તિઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઉપરોક્ત દારૂ સહિત કાર મળી કુલ રૂપિયા 5 લાખ 80 હજાર 640નો મુદ્દામાલ કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...