ખેડા જિલ્લાના મહેમદાવાદ પાસે રોજા-રોજીની ઐતિહાસિક દરગાહ આવેલી છે. પૌરાણિક સમયમાં યુધ્ધમાં સહાદત વહોરનાર મુબારક સૈયદ સાહેબના આ મકબરાને તેમના પુત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. ઇતિહાસની ઝાંખી એવા આ મકબરાને ભારત સરકાર દ્વારા નેશનલ મોન્યુમેન્ટમાં સમાવેશ કરાયો હોઈ તેનું રિનોવેશન કામ હાથ ધરાયું છે. રિનોવેશન બાદ અહીં એક તખતી પણ મુકવામાં આવનાર છે. પરંતુ તે તખતીમાં ખોટી વિગતો દર્શાવતા મહેમદાવાદનો ઇતિહાસ લખનાર લેખક દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
હાલમાં અમદાવાદ ખાતે રહેતા મુસ્તાક મલેકે દિલ્હી અને વડોદરા સ્થિત હેરિટેજ વિભાગની ઓફિસમાં મેઈલ મારફતે રજૂઆત કરી છે. તેઓએ જણાવ્યું છે કે મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામમાં આવેલા રાષ્ટ્રીય સ્મારક તરીકે ઓળખાતા રોજા-રોજી દરગાહમાં હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ કામ બાદ આ સ્થળે એક તકતી લગાવવામાં આવનાર છે. જે હાલમાં આવી ગઈ છે.
પરંતુ આ તકતીમાં દર્શાવેલ વર્ષ 1484 બતાવ્યું ખોટું છે. જેના કારણે દેશનો ઇતિહાસ જાણવા ઉત્સુક નાગરીકો સમક્ષ ખોટી માહિતી પહોંચી શકે છે. મુસ્તાક મલેક દ્વારા કરવામાં આવેલ મેઇલના જવાબમાં તેઓને ઘટતી કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી છે.
મહેમદાવાદનો ઈતિહાસનું પુસ્તક લખનાર લેખકની દિલ્હી સુધી રજૂઆત
દરગાહના પીલ્લર ગણવા માટે ભલભલા લોકો ગોથે ચડે છે
મહેમદાવાદના સોજાલી ગામે આવેલ રોજા રોજી સ્મારક જગ ખ્યાતિ પામેલું છે. અહીંયા જે પીલ્લરો છે તેની સાચી ગણતરી કોઈ કરી શકતું નથી તેમ કહેવાય છે. ભલભલા ગણિતશાસ્ત્રીઓ અહીંયા ગોથે ચઢી જાય છે. શાળા દ્વારા લેવાતી મુલાકાતોમાં એક પિલ્લર પાસે એક વિદ્યાર્થીને ઉભા રાખી પિલ્લર ગણવાના વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હતો. પરંતુ કોઇ પણ વ્યક્તિ હજી સુધી દરગાહના પિલ્લરોની નિશ્ચિત સંખ્યા શોધી શક્યું નથી.
અંગ્રેજ લેખકે કરેલી ભૂલ વારંવાર રિપિટ થઇ રહી છે
મહેમદાવાદની સ્થાપના 1465માં મેહમુદ બેગડાએ પોતાના ઉમરાવ મેહમુદ નીજામને કહી કરાવી હતી. જ્યારે મુબારક સૈયદ એતો મહેમુદ સોયમ સાઉદીન ત્રીજાના સમયમાં આમિર ઉમરાવ હતા. જેઓ એ 1558 ના યુદ્ધમાં શહીદ થયા હતા. આમ બે નામ મહેમુદના નામ થી જોડાયેલા હોવાથી લોકો અસમંજસમાં રહે છે. આ તારીખના ઉલ્લેખમાં એક અંગ્રેજ લેખક મી.બ્રાઉને ભુલ કરી હતી. જેના કારણે વારંવાર આ ભુલ રીપીટ થઈ રહી છે. જે વાત ઈમેલ સાથે અટેચ કરીને મેં દિલ્હી અને વડોદરા ખાતે મેઇલ કરેલો છે. - મુસ્તાક જે મલેક, ઇતિહાસકાર, મહેમદાવાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.