નડિયાદમાં વરસાદી તાંડવ:નવા ગાજીપુર વાડમાં ઘરોમાં પાણી ઘૂસતા ભારે તારાજી સર્જાઈ; કાંસ પાસેની દુકાનો પાણીમાં ગરકાવ

નડિયાદ3 મહિનો પહેલા
  • ચોમાસામાં વૈશાલી ગરનાળાની કામગીરી કરતાં વિદ્યાર્થીઓને મૂકવા લેવા ફરીને જવું પડતા વાલીઓમાં રોષ
  • STનું ટાયર ભૂવામાં ફસાતા 50 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાં

નડિયાદમાં છેલ્લા 24 કલાકમાં સાડા પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ગતરાત્રે મુસળધાર વરસાદ વરસતાં ઠેકઠેકાણે પાણી ‌ભરાઈ ગયા છે. તો આવા વરસાદથી જિલ્લા વાસીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. નડિયાદમા વરસેલા વરસાદના કારણે શહેરના નવા ગાજીપુર વાડમાં ઘરોમાં વરસાદી પણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત માઈ મંદિર ગરનાળા તરફ કાંસ પરની દુકનો પૈકી બે દુકાનો કાંસમા ગરકાવ થઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હોવાનુ જાણવા મળે છે.

ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયુ હતું
ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયુ હતું

શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગોને ભારે હાલાકી
નડિયાદમાં રવિવારે રાત્રે વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદના કારણે શહેરના તમામ ગરનાળાઓ પાણીથી જળબંબાકાર થઈ ગયા છે. જેના કારણે પશ્ચિમ તરફનું વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. પશ્ચિમથી પૂર્વ તરફ આવવા માટે અને પૂર્વથી પશ્ચિમ તરફ જવા માટે વાહન ચાલકોને બે ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડ્યો હતો. સોમવારે ખૂલતો દિવસ હોવાથી શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નડિયાદમાં મેદાનો તળાવ બની ગયા છે
નડિયાદમાં મેદાનો તળાવ બની ગયા છે
ગરનાળાઓમાં પાણી ભરાયા હતા
ગરનાળાઓમાં પાણી ભરાયા હતા

100થી વધુ પરિવારો ચોમાસાની સિઝનમાં મુશ્કેલીમાં મુકાય છે
નડિયાદમાં વરસેલા વરસાદથી ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરના નવા ગાજીપુર વિસ્તારમાં વરસાદના પગલે કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. આ પાણી લોકોના ઘરોમાં પણ ફરી વળ્યા હતાં. જેના કારણે અહીંયા રહેતા પરિવારજનો ઘરવખરી લઈને નજીક આવેલા એપીએમસીના શેડમાં રહેવા આવી ગયા હતા. મહત્વનું છે કે આ ભાગ વેચાણમાં હોવાથી અને નજીકમાં તળાવ હોવાથી સામાન્ય વરસાદ પડે ત્યારે છાશવારે આવી સ્થિતિ સર્જાય છે. અહીંયા રહેતા લગભગ 100થી વધુ પરિવારો ચોમાસાની સિઝનમાં મુશ્કેલીમાં મુકાય છે પાલિકા તંત્ર કોઈ કાયમી હલ લાવતી ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

કાંસ પાસેના વિસ્તારમાં આવેલી દુકાનો ધરાશાયી થઈ હતી
કાંસ પાસેના વિસ્તારમાં આવેલી દુકાનો ધરાશાયી થઈ હતી

કાંસ પાસેની દુકાનો પાણીમાં ગરકાવ
બીજી બાજુ નડિયાદમાં ધોધમાર વરસાદના પગલે સંતરામ રોડથી માઈ મંદિર ગરનાળા તરફ જતા કાંસ પર આવેલી દુકાનો પૈકી બે દુકાનો કાસમાં ગરકાવ થઈ ગઈ હતી. આ બે પૈકી એક દુકાન કરિયાણાની હતી, તો અન્ય એક દુકાન બંધ હાલતમાં હતી. મોડી રાત્રે ઘટના બની હોવાથી કોઈ જાનહાની સર્જાઈ ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. અગાઉ પણ અહીંયા પાછળ આવેલ કાંસ પરની લગભગ નવ જેટલી દુકાનો કડડભૂસ ધરાસાઈ થઈ ગઈ હતી. તો પાલિકા કચેરી નજીક આવેલી કાસ પરની દુકાનો સાવચેતીના પગલાં રૂપે તાજેતરમાં ખાલી કરાઈ હતી. હજુ પણ નડિયાદ શહેરમાં કાસ પરની જર્જરીત દુકાનો જોવા મળે છે તો આ મામલે પાલિકા ઊણી ઉતરી કાર્યવાહી કરે તેવી માંગ નગરજનોએ કરી છે.

STનું ટાયર ભૂવામાં ફસાતા 50 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાં
ડાકોરમાં નવ નિર્માણ પામનાર બ્રીજ પાસે ST બસનું ટાયર ભુવામાં ફસાયું હતું. ડાકોરમાં 50 મુસાફરો સાથે જઈ રહેલી એસટી બસનું ટાયર ભુવામાં ગરકાવ થતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયો છે. અહીયા નવ નિર્માણ પામનાર ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે ત્યારે અમદાવાદ તરફ જતી એસટી બસ બ્રિજના ડાયવર્ઝન પાસેથી પસાર થતી હતી તે વેળાએ બસનું પાછળનું ટાયર માટીમાં ખૂપી ગયું હતું. જેને લઈ બસમાં બેઠેલા લગભગ 50થી વધુ મુસાફરોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, ઘટનાને લઈ મુસાફરો બસની બહાર નીકળી ગયા હતા. આ નિર્માણધીન બ્રીજની કામગીરી લોકો માટે માથાનો દુખાવો સમાન બની ચૂકી છે. ફસાયેલી બસને ક્રેનથી કાઢવાના પ્રયાસ કરવામા આવ્યો હતો. સામાન્ય વરસાદમાં સર્વિસ રોડ ઉપર ઠેર-ઠેર ભુવા પડવાને કારણે વાહનો ફસાવવાના બનાવમાં વધારો થયો છે.

વૈશાલી ગરનાળાને પહોળુ કરવાની કામગીરીથી પશ્ચિમ વિસ્તારના લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો
​​​​​​
​પાલિકા તંત્રને ચોમાસા ટાણે જ વૈશાલી ગરનાળુ પહોળું કરવાનું છે. જેથી આ કામગીરી સામે સ્થાનિક લોકોએ અને ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. કામગીરી ચોમાસામાં શરુ કરાતા અહીયા નજીક આવેલ સ્કૂલના કારણે લોકોને અવરજવરમા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાઈકલ લઈને આવતા જતા વિદ્યાર્થીઓને છેક કિડની વાળા બ્રિજનો ઉપયોગ કરવો પડ્યો છે અને લાંબુ ચક્કર લગાવવા મજબૂર થવું પડ્યુ છે.

છેલ્લા 24 કલાકમા સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે
10મી જુલાઈ રવિવારના સવારે 7થી સોમવારના સવારે 7 કલાક સુધીનો વરસાતા જોઈએ તો કઠલાલ પંથકમાં 78 M.M, કપડવંજ પંથકમાં 36 M.M, ખેડા પંથકમાં 97 M.M, ગળતેશ્વર પંથકમાં 39 M.M, ઠાસરા પંથકમાં 27 M.M, નડિયાદ પંથકમાં 143 M.M, મહુધા પંથકમાં 46 M.M, મહેમદાવાદ પંથકમાં 135 M.M, માતર પંથકમાં 118 M.M અને વસો પંથકમાં 106 M.M મળી છેલ્લા 24 કલાકમા 825 M.M નોધાયો છે. તો ગત વર્ષે આ દિવસે ફક્ત ગળતેશ્વર અને ઠાસરામા જ વરસાદ ખાબક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...