મૂંઝવણ:બોર્ડ હેલ્પલાઇનમાં સૌથી વધુ પૂછાતો સવાલ, વાંચેલુ યાદ રાખવા શું કરવું?

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 27 દિવસમાં 25 વિદ્યાર્થીઓએ ફોન કરી માર્ગદર્શન મેળવ્યું

જિલ્લામાં 11 દિવસ બાદ યોજાનાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે 27 દિવસ અગાઉ હેલ્પલાઇન નંબર શરૂ કરાઇ હતી. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનુ નિરાકરણ લાવવા ચાર મનોવૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે. હેલ્પલાઇન પર ફોન કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓ યાદ ન રહેતુ હોવાની રજૂઆત કરે છે. પરંતુ મનોવૈજ્ઞાનિકો દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળી તેનો આયોજનબધ્ધ ઉત્તર આપી પ્રશ્નોનુ નિરાકરણ લાવી પ્રોત્સાહિત કરે છે.

ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તા.14 માર્ચથી ધો-10 અને ધો-12 બોર્ડની પરીક્ષા અન્વયે જિલ્લાના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો. જિલ્લામાં કુલ 50,489 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં ધો-10માં 30,672 વિદ્યાર્થીઓ જ્યારે ધો-12 સામાન્ય પ્રવાહમાં 17,002 અને ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 2815 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઇ સમસ્યા ન સર્જાય અને તે તાણ ન અનુભવે તે માટે આ સેવા શરૂ કરાઇ હતી. ગત તા.4 ફેબ્રુઆરી થી શરૂ કરેલી હેલ્પલાઇન સેવાનો લાભ 25 થી વધુ વિદ્યાર્થીઓએ લીધો હતો અને તેમને મૂંઝવતા પ્રશ્નોની પૂછપરછ કરી તેનુ નિરાકરણ મેળવ્યુ હતુ.

ફોન કરતા વિદ્યાર્થીઓમાં મોટા ભાગના વિદ્યાર્થીઓના પ્રશ્નો વાંચન કર્યા બાદ તે યાદ ન રહેતું હોવાનું હતા. જેમાં મનોવૈજ્ઞાનિક તજજ્ઞો દ્વારા તેનું નિરાકરણ કરી વિદ્યાર્થીઓને ટાઇમ ટેબલ બનાવી મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. વળી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીને રાતના 11 વાગ્યાના અરસામાં એક વિદ્યાર્થીએ ફોન કરી સલાહ માંગી હતી. જેના જવાબમાં કર્મચારીએ વિદ્યાર્થી પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે મનોવૈજ્ઞાનિકનો નંબર આપી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

વિદ્યાર્થીઓ માટે મહત્વની ટીપ્સ

  • પરીક્ષા પ્રત્યે સૌ પ્રથમ હકારાત્મક ભાવ કેળવવો
  • ભ્રામક માન્યતાને અવગણી પરીક્ષાની તૈયારી કરવી
  • દરેક વિષયની નોટ બનાવી તેનુ અધ્યયન કરવું
  • જે પ્રશ્નો આવડતા હોય તે પહેલા લખવા
  • પરીક્ષા પધ્ધતિ અને વિષયને સમજવા માટે પૂરતો સમય આપો
  • પરીક્ષા અગાઉ બોર્ડના જુના પેપર લખવાની પ્રેક્ટિસ કરવી
  • ઘડિયાળ સાથે રાખી ટાઇમ મેનેજમેન્ટ કરવાની પ્રેક્ટિસ કરવી (બોર્ડના કાઉન્સીલર ડો. રિતેશ પટેલના જણાવ્યાનુસાર)
અન્ય સમાચારો પણ છે...