ખેડા જિલ્લામાં દહેજના દુષણ વધી રહ્યા છે. નડિયાદની દિકરી દહેજનો શિકાર બની છે. ફક્ત 1 વર્ષના લગ્નજીવનમાં દહેજનો કંકાસે ઘર ઉજાળ્યું છે. તારા પિતાએ કઈ આપ્યું નથી તેમ સાસરીવાળાએ કહી રૂપિયા 5 લાખ દહેજ પેટે માંગ્યા હતા. તો પિયરમાં ગયેલી પરણીતાને પોતાના પતિને અકસ્માત થયાની જાણ થતાં તેણીની પિયરથી સાસરીમાં ગયેલી પરંતુ પરણીતાને સાસરીયાવાળાઓએ ઘરમાં પ્રવેશવા જ ન દીધી. સમગ્ર બનાવ મામલે મહિલા પોલીસમાં પરણીતાએ પોતાના પતિ, સાસુ, બે નંણદ અને નણદોઈ સામે ફરિયાદ નોંધાવી છે.
ઘરસંસાર બગડે નહીં તેથી પીડીતા તમામ ત્રાસ મુંગા મોઢે સહન કરી રહેતી હતી
નડિયાદ શહેરમાં રહેતી 22 વર્ષીય લઘુમતી સમાજની યુવતીના લગ્ન જ્ઞાતિના રીતિ રિવાજ મુજબ વર્ષ 2021મા નડિયાદ તાલુકાના એક ગામે થયા હતા. યુવતી પોતાની સાસરીમાં આવતા શરૂઆતનુ લગ્ન જીવન સારી રીતે ચાલ્યુ હતું. પરંતુ આ બાદ પતિ તેમજ સાસુ ઘરના કામકાજ બાબતે તેમજ દહેજમાં કંઈ આપ્યું ન હોવાના કારણે અવાર નવાર મહેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. તારા પિતાએ કઈ આપ્યું નથી તેમ કહી રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી અને બે નણંદે જમવાનું બનાવતા નથી આવડતું તેમ કહી અત્યાચાર ગુજાર્યો હતો. આ ઉપરાંત સાસરીના લોકો તેણીને પોતાના ઘરના સભ્યો સાથે વાતચીત કરવા દેતા નહોતાં. ઘરસંસાર બગડે નહીં એ હેતુથી પીડીતા તમામ ત્રાસ મુંગા મોઢે સહન કરી સાસરીમાં રહેતી હતી.
સાસરીના સભ્યોએ એસિડ નાખી મારી નાખવાની ધમકીઓ આપી
પતિના કહેવાથી તેણીની પોતાના પિયર નડિયાદ મુકામે ગઈ હતી. આ બાદ પતિ તેને તેડવા આવ્યો નહોતો. તો બીજી બાજુ પતિને અકસ્માત થયાની જાણ પત્નીને થઈ હતી. જેથી ગત તા 7મી નવેમ્બર 2022ના રોજ તેણીની પોતાની સાસરીમાં પોતાના પતિની ખબર કાઢવા આવી હતી. પરંતુ પરણીતાના સાસુ બે નાણંદો અને બે નણંદોઈએ તેણીને ઘરમાં પેસવા દીધી નહોતી. અને તેની સાથે ઝઘડો કરી કહ્યું કે અમારે તને રાખવાની નથી તેમ કહી હાથ પકડી ઘરની બહાર કાઢી મૂકી હતી. વધુમાં આ તમામ લોકોએ જણાવ્યું કે , તારે જે કેસ કરવો હોય તે કર પોલીસ અમારું કંઈ ઉખાડી લેવાની નથી અમો રાજકારણના કીડા છીએ ઘરમાં એસિડ હોય તો લાવો છાંટીને આને મારી નાખીએ તેવી ગર્ભીત ધમકીઓ આપી હતી. છેવટે પીડીતાએ સમગ્ર મામલે ન્યાય મેળવવા પોતાના પતિ, સાસુ, બે નણંદ અને બે નણદોઈ મળી કુલ 6 વ્યક્તિઓ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.