પરિણીતા પર ત્રાસ:નડિયાદની યુવતી સાથે પતિ સહિતનાઓ અવાર-નવાર પૈસા માગી ઝગડો કરી ત્રાસ ગુજાર્યો, પરિણીતાએ પોલીસનો સહારો લીધો

નડિયાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નડિયાદની યુવતી પોતાના સાસરીયાના ત્રાસનો ભોગ બની છે. અગાઉ ઘરના કામકાજ બાબતે ઘર સંસારમા દરાર પડતા બન્નેએ સ્વેચ્છાએ સમાજની રાહે છૂટાછેડા લીધા હતા. જોકે, આ પછી વર્ષો બાદ ફરીથી બન્ને ભેગા થતાં ઘર સંસાર શરુ કર્યો હતો. તેમાં પણ ડખા થતાં અંતે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અમારા મોભા પ્રમાણે સગુ મળેલ નથી તેમ સાસરીયાઓએ કહી અગાઉના છુટાછેડાના કરાર બતાવી પરણીતા પર ત્રાસ વર્તાવ્યો છે. સમગ્ર મામલે પીડીતાએ નડિયાદ મહિલા પોલીસ મથકે પોતાના વ્યસની પતિ, જેઠ, જેઠાણી, સસરા અને ફોઈ સાસુ સામે ફરિયાદ નોંધાવી છે.
છુટાછેડા લીધેલા પતિએ તેણીની સાથે ફરીથી વાતચીત શરૂ કરી
નડિયાદના મંજીપુરા ખાતે રહેતી 35 વર્ષીય યુવતીના લગ્ન આજથી 12 વર્ષ અગાઉ વડોદરા શહેરના જાંબુડી કુઈ વિસ્તારમાં રહેતા યુવાન સાથે જ્ઞાતિના રીતિ રિવાજ મુજબ થયા હતા. યુવતીનું શરૂઆતનુ લગ્નજીવન સુખમય રહ્યું હતું. જોકે આ બાદ સાસરી પક્ષના લોકોએ ઘરના કામકાજ બાબતે નાના-મોટા ઝઘડા કરતા અને સાસરીવાળા તેણીને રાખવાની ના પાડતા વર્ષ 2016માં સમાજની રીતે બન્નેએ છૂટાછેડા કરાર કર્યા હતા. આ વખતે પીડીતાને ખાધાખોરાકી પેટે રુપીયા 1 લાખ આપ્યા હતા. બાદમાં પીડિતા પોતાના પિયરમાં રહેતી અને થોડા સમય બાદ તેણીના છુટાછેડા લીધેલા પતિએ તેણીની સાથે ફરીથી વાતચીત શરૂ કરી હતી. આથી સમાજના વડીલોએ આ બંનેના બીજીવાર લગ્ન કર્યાં હતાં.
યુવતીના પિતાએ સહી કરી 50 હજારની રકમનો ચેક આપેલો
જુન 2022મા આ બંન્નેના લગ્ન ફરીથી થયા હતા. આબાદ અગાઉ જે છુટાછેડાનો કરાર હતો તે રદ કરાવ્યો ન હતો અને અગાઉ યુવતીના પિતાને જે એક લાખ રૂપિયા આપ્યા હતા. તે એક લાખ રૂપિયા પીડીતાના સાસરીયાઓને પરત આપી દીધા હતા. આ પછી પીડીતાના પતિએ બીજા 50 હજાર રૂપિયા ઉછીના માગેલા હતા. પરંતુ તેના પિતા પાસે નાણાંની સગવડ ન હોય જેથી યુવતીના પિતાએ સહી કરી 50 હજારની રકમનો તારીખ વગરનો ચેક આપેલો અને કહેલ કે મારી સગવડ થાય અને હું કહું ત્યારે તમે તારીખ નાખી ઉપાડી લેજો.
​​​​​​​સાસરીયાઓએ મહેણા ટોણા મારતા
પીડીતા દરદાગીના લઈ ફરીથી ઘર સંસાર માણવા માટે પોતાની સાસરી વડોદરા ખાતે આવી હતી. થોડા સમય સાસરીવાળાએ સારી રીતે રાખી હતી. પરંતુ સમય જતા તેમના વર્તનમાં બદલાવ આવ્યો ન હતો અને તેણીના જેઠે કહ્યું કે, 5 લાખ રૂપિયા લઈ આવ જોકે પીડીતાએ કહ્યું કે મારા પિતા બેંકમાં સિક્યુરિટીમાં નોકરી કરે છે આટલી મોટી રકમ ક્યાથી લાવશે. આ પછી તમામ સાસરીવાળા કહેતા કે, અમારા મોભા પ્રમાણે સગુ મળેલ નથી અને અમોને ઘણી બધી સારી પૈસાવાળી છોકરીઓ મળતી હતી તેમ કહી અવારનવાર મહેણાં ટોણા મારી પીડીતાને હેરાન પરેશાન કરતા હતા.
​​​​​​​આટલેથી વાત ન અટકતા તેણીનો પતિ દારૂ પી આવી તેણીને મારઝુડ કરતો હતો. જેથી તેણીએ પોતાના પિતાને હાથ ઉછીની રકમ જે તેના પતિએ માંગી હતી તે ન આપે તેવુ કહ્યું હતું. આથી તેણીના સાસરીવાળાઓએ ઝઘડો કરી 23 ઓગસ્ટના રોજ પહેરેલ કપડે સાસરીમાંથી કાઢી મૂકી હતી. આ બાદ પીડિતા પોતાના પિયર આવી ગઈ હતી અને ગત સપ્ટેમ્બર માસમાં તેણીની પોતાની સાસરીમાં પોતાનો સરસામાન લેવા ગઈ હતી. ત્યારે પીડિતાના પતિ, જેઠાણી, સસરા, ફોઈ સાસુએ કહેલ કે તને રાખવાની ના પાડી છે તો તું કેમ આવી છે તેમ કહેતા પીડીતા એ કહ્યું કે મારી બેગ અહીંયા છે અને મારા પિતાએ આપેલો ચેક મારી બેગમાં હોય જેથી હું આ બેગ લેવા આવી છું અને જતી રહીશ. આ સમયે સાસરીના લોકોએ ગમે તેમ ગાળો બોલી પીડીતા સાથે ઝઘડો કર્યો હતો.
​​​​​​​​​​​​​​પોલીસે આઈપીસી 498A, 504, 114 મુજબ ગુનો નોંધ્યો
જે તે સમયે પીડીતાએ અભયમ મહિલા પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે તેણીના સાસરીવાળાઓ ઘર બંધ કરી ભાગી ગયા હતા. આથી પીડીતાએ વાડી પોલીસ સ્ટેશન વડોદરા ખાતે અરજી આપી હતી અને સાસરીમાં જવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સાસરીના લોકો તેણીને રાખવા ન‌ માંગતા હોય અને અગાઉ થયેલા છુટાછેડાની નકલ રજૂ કરી અમારા છુટાછેડા થઇ ગયા છે. તેમ કહી પરણીતા પર ત્રાસ ગુજારતા છેવટે ન્યાય મેળવવા પીડીતાએ પોલીસનો સહારો લીધો છે. આ સમગ્ર મામલે પીડીતાએ નડિયાદ મહિલા પોલીસ મથકે પોતાના વ્યસની પતિ, જેઠ, જેઠાણી, સસરા અને ફોઈ સાસુ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498A, 504, 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે

અન્ય સમાચારો પણ છે...