કેન્દ્ર સરકાર જ્યારે સુશાસનના આઠ વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામે કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિઓને બિરદાવતો સેવા સુશાસન કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર ભારતની જનતા જ્યારે મોદી સરકારના આઠ વર્ષના સુશાસનની સાક્ષી છે ત્યારે ગુજરાતની જનતા 27 વર્ષથી આ સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસી આવેલ સુશાસનની સાક્ષી છે.
કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે, "મોદી સાહેબે ગરીબો, ખેડૂતો, માતાઓ અને બાળકોની ચિતા હંમેશા કરી છે. રામ મંદીર બનાવવું, 370ની કલમ હટાવવી, દેશની 80 કરોડ જનતાને મફતમાં અનાજ આપવું, કોરોનાના કપરા કાળમાં દેશમાં બનાવેલી રસી દ્વારા લાખોના જીવ બચાવવાથી માંડીને 130 દેશોને રસી મોકલાવવા જેવા અનેક મહાન કાર્યો કેન્દ્ર સરકારે પાછલા આઠ વર્ષમાં કર્યા છે."
કેન્દ્ર સરકારની ગરીબ કલ્યાણ માટેની યોજનાઓ વિશે વાત કરતા કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું કે, "ગુજરાતનું પ્રબળ નેતૃત્વ કરી સૌનો સાથ સૌનો વિકાસનું મોડલ દેશભરના નાગરિકોના હિત માટે લઈ જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વર્ષોથી ચાલતા ભય, દુખ, ભ્રષ્ટાચાર અને ગરીબોના થતા શોષણનો અંત આણ્યો છે. આઝાદીના સાત દાયકાઓ પછી કેન્દ્ર સરકારના અથાક પ્રયત્નોથી વિવિધ યોજનાઓના અમલીકરણમાં વચેટીયાઓ દૂર થયા છે. ગરીબ કલ્યાણની ભાવનાથી ફક્ત શૂન્ય બેલેન્સથી જનધન ખાતા ખોલવા, ગરીબોને રહેવા ઘર, ખાવા અન્ન, રાંધવા ગેસ, ઘર ઘરમાં સ્વચ્છતા માટે શૌચાલય, વેપાર ધંધા માટે સહાય, બહેનોને સશકત બનાવી આત્મનિર્ભર બનાવવા માટે સહાય વગેરે જેટલી 338 યોજનાઓ દ્વારા સરકારે ફક્ત આઠ વર્ષમાં દેશમાં સુશાસન સ્થાપ્યું છે અને વિશ્વમાં ભારતની ખ્યાતી પ્રસ્થાપિત કરી છે.
આ પ્રસંગે ભાજપના અગ્રણી વિપુલ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ગળતેશ્વરના તાલુકા વિકાસ અધિકારીએ આભાર દર્શન કર્યુ હતું. કેન્દ્ર સરકારના આઠ વર્ષની સુશાસન યાત્રાના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, જાહ્નવીબેન વ્યાસ, બિમલ ઉપાધ્યાય, અજય બ્રહ્મભટ્ટ, નટુભાઈ, વિકાસ શાહ તથા મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.