જમીન બારોબાર વેચાણ કરી:મૃતક સંતની જમીન ત્રાહિતે બારોબાર વેચાણ કરી હતી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક સંતના બદલે અંગુઠો લગાવનારે રજૂ કરેલા આધારકાર્ડમાં ગળતેશ્વરનું સરનામું દર્શાવેલું હતું

ખેડાના વાસણા બુઝર્ગ ગામે સર્વે નં.40 વાળી જમીન બારોબાર વેચાણ કરી દેવાના મામલે ફોજદારી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર વ્યવહારમાં મૃતક સંતના બદલે અંગુઠો લગાવનાર વ્યક્તિ કોણ તેની તપાસ થવી જરૂરી છે. મૃતક સંત વાસણા બુઝર્ગ ગામના રહેવાસી હતા, જ્યારે વેચાણ દસ્તાવેજમાં જેનું આધાર કાર્ડ મુકવામાં આવ્યું છે, તે ભળતા નામ વાળી વ્યક્તિ ગળતેશ્વર તાલુકાની હોવાનું પણ બહાર આવ્યું છે.

ખેડાના વાસણા બુઝર્ગ ગામે કૈવલ સંપ્રદાયના સંત ગોવર્ધન દાસજી ગૂરૂ શાંતીદાસજીનું વર્ષ 2017માં અવસાન થયું હતું. જ્યારે તેઓના નામની જમીનનું ઓગસ્ટ 2022માં સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. આ વેચાણ દસ્તાવેજમાં જે વ્યક્તિએ ગોવર્ધનદાસ તરીકે અંગુઠો મુક્યો હતો, તેના આધાર કાર્ડમાં મુ.પો. ગળતેશ્વરનું સરનામું લખેલુ છે. ત્યારે આ ગોવર્ધનદાસ કોણ તેની તપાસ થાય તો કૌભાંડમાં ઘણી મોટી વિગતો બહાર આવી શકે તેમ છે.

અગાઉ માતરના વણસર ગામે મહાદેવની જમીન બારોબાર વેચાણ થઈ ગઈ હતી
મહત્વની વાત છે કે તાજેતરમાં માતર તાલુકામાં પણ ખોટી રીતે જમીનો વેચવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં વણસર પ્રાણનાથ મહાદેવના નામે ચાલતી જમીનમાં કલેકટર ખેડા દ્વારા વહીવટ કરતાને વારસાઈનો હુકમ કર્યો હતો. જે હુકમને પરવાનગી ગણીને વહીવટકર્તા દ્વારા જમીન વેચાણ કરી દીધી હતી. જમીનમાંથી પ્રાણનાથ મહાદેવનું નામ કમી કરી દીધું હતું અને જમીન વેચાણ રાખનારે અન્ય તાલુકાની જમીન બિનખેડૂત હોવા છતાં દર્શાવી પ્રાણનાથ મહાદેવના નામે ચાલતી જમીન ખરીદી ખોટી રીતે નામ દાખલ કરાવી દીધુ હતુ.

અન્ય સમાચારો પણ છે...