સજા:કઠલાલના ઘોઘાવાડાના યુવકને સગીરા પર દુષ્કર્મના કેસમાં સજા ફટકારતી કોર્ટ

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સુરજપુરા તાબેના ઘોધાવાડાના યુવકે સવા વર્ષ અગાઉ એક કિશોર વયની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. આ બાદ તેની સંમતિ વગર તેની સાથે શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. આ કેસમાં યુવકને નડિયાદ કોર્ટે કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા 55 હજારના દંડનો હુકમ કર્યો છે.

1 ઓગસ્ટ 2021ના રોજ આ કિશોરીને ભગાડી ગયો
કઠલાલ તાલુકાના સુરજપુરા તાબે ઘોધાવાડા રહેતા ધર્મસિંહ ઉર્ફે ધર્મો અશોકભાઈ સોઢાના મનમાં ગામમાં જ રહેતી એક સગીર વયની યુવતી વસી ગઈ હતી. જેથી તેણે આ કિશોરીને પ્રેમ જાળમાં ફસાવવા માટે અવારનવાર તેના સંપર્કમાં આવતો હતો અને લગ્ન કરવાની લાલચ આપી તારીખ 1 ઓગસ્ટ 2021ના રોજ આ કિશોરીને ભગાડી ગયો હતો.

ભોગ બનનારને રૂપિયા 50 હજારનું વળતર ચૂકવવા આરોપીને હુકમ કર્યો
કિશોરી સાથે અવારનવાર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. આ બાબતની ફરિયાદ કઠલાલ પોલીસમાં નોંધાઈ હતી. પોલીસે ઈ.પી.કો.કલમ 363, 366, 376(2)(એન) તથા પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ કર્યા બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસ નડિયાદના સ્પે.જજ (પોકસો) પી.પી.પુરોહીતની કોર્ટમા ચાલી જતા જિલ્લા સ૨કારી વકીલ ઉમેશ એ. ઢગટે કુલ 9 સાહેદોના પુરાવા અને કુલ 16 દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ તમામ બાબતો ધ્યાનમાં રાખી કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા તેમજ દંડ ફટકાર્યો છે. આ સાથે ભોગ બનનારને રૂપિયા 50 હજાર વળતર ચૂકવવા આરોપીને હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...