કોંગ્રેસનો ગઢ ગણાતો ખેડા જિલ્લો વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ભાજપનો ગઢ બની ગયો, અને જિલ્લા માંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો. પરિણામો એવા તો આવ્યા છેકે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મંથન કરવા મજબુર કરી દીધા છે. ત્યારે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા શહેર કારોબારીનું વિસર્જન કરવા અંગેનો પત્ર જાહેર કર્યો છે.
નડિયાદની ચૂંટણી શરૂઆત થી જ એક તરફી હોય તેવું વાતાવરણ ઊભું થયું હતું. જોકે પરિણામો પણ એજ રીતના આવ્યા, પહેલેથી જ 50 હજાર પ્લસની લીડથી જીતવાનો દાવો કરતુ ભાજપ નડિયાદમાં 53 હજારની લીડ થી જીત્યું. જેના કારણે વધુ એકવાર કોંગ્રેસને નડિયાદમાં હારનો સામનો કરવો પડ્યો. ચૂંટણી પરિણામના ચાર દિવસ બાદ શહેર કોંગ્રેસ પ્રમુખે સમગ્ર ટીમનું વિસર્જન કરી નાખ્યું.
પત્રના માધ્યમથી હાર્દિક ભટ્ટે લખ્યું હતું કે તમામ કાર્યકરોના સાથ અને સહકારી થી 2022નું વિધાનસભાનું ઇલેક્શન લડવામાં આવ્યું. સર્વે કાર્યકરોએ ખુબ મહેનત કરી પરંતુ કંઇપણ સંકલનના અભાવે પ્રજાના પ્રશ્નો સમજવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી. જેનું પરિણામ ચૂંટણીમાં હાર થી મળ્યું. આજ કારણોસર તેઓએ સોમવારે નડિયાદ શહેર કોંગ્રેસ કારોબારીનું વિસર્જન કર્યું હોવાનું જણાવ્યું હતું.
મહત્વની વાત છેકે આ ચૂંટણીમાં જિલ્લાની તમામ 6 બેઠકો પર કોંગ્રેસની હાર થઇ છે. નડિયાદ શહેરમાં છેલ્લા 30 વર્ષથી વારંવાર કોંગ્રેસ દ્વારા શહેર પ્રમુખ બદલવામાં આવ્યા છે પરંતું એક પણ પ્રમુખ શહેરની જનતાની નાળ પારખવામાં સફળ થયા નથી જેના કારણે દર વખતે હારનો સામનો કરવો પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.