નડિયાદ તાલુકાના સલુણ ગામના પેટા પરામાં હઠીપુરા હઠીપુરા, શંકરપુરા, જાંબુડીયા અને બંગલા વિસ્તારમાં જવા માટે સરકાર દ્વારા આર.સી.સી રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા એક મહિનાથી લીકેજ થઈ રહેલા કેનાલના પાણીને કારણે આ રોડ તુટી ગયો છે. એટલું જ નહી અહીંથી અવર જવર કરતા 2 હજાર થી વધુ ગ્રામજનોને લીકેજને કારણે ફરજીયાત પાણી ડહોળીને જવું પડી રહ્યું છે.
કળકળતા શીયાળામાં ઠંડા પાણીને ડહોળીને ક્યાક જવાનું થાય તો કેવી સ્થિતિ થાય તે સમજી શકાય છે. પરંતુ નડિયાદ તાલુકાના સલુણ તાબે આવેલ હઠીપુરા અને તેની આસપાસના ગ્રામજનોને છેલ્લા એક મહિનાથી ફરજીયાત કેનાલના પાણી ડહોળવાનો વારો આવ્યો છે. હઠીપુરાથી ડાકોર રોડ તરફ જતા માર્ગ પર નાની કેનાલમાં લીકેજ થયું છે.
જેના કારણે પાણી રસ્તા પર ફરી વળ્યા છે. આ પાણી લીકેજના સ્થળ થી એક કીમી સુધીના રસ્તા પર પ્રસરી જતા જિલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવેલ આરસીસી રોડ પર અડધો ધોવાઈ ગયો છે. ગ્રામજનોનું કહેવું છેકે થોડે દુર શાળા આવેલી છે, જ્યા અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ફરજીયાત આ પાણી ડહોળીને શાળામાં આવવાની ફરજ પડીરહી છે. જવાબદાર તંત્ર દ્વારા સત્વરે આ માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. સિંચાઇ વિભાગના ના.કા.ઈ રીતેશ ચીવટે જણાવ્યું હતું કે બને તેટલા વહેલા લીકેજ બંધ થઇ જાય તે માટે કાર્યવાહી કરાશે.
સાઈડમાંથી 11 હજાર કેવીની લાઈન પસાર થાય છે
કેનાલથી ડાકોર રોડ તરફ લીકેજ પાણી ફરી વળ્યું છે. વળી આજ રોડની સાઈડમાં 11 હજાર કેવીની લાઈન પસાર થાય છે. શાળામાં જતા આવતા વિદ્યાર્થી કે કોઈ રાહદારીને કરંટ લાગે, અને કોઈ દુર્ઘના બને તે પહેલા કાર્યવાહી થાય તે જરૂરી છે.> સોમાભાઈ તળપદા, સ્થાનિક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.