આ તે કેવી કરૂણાંતિકા!:નડિયાદમાં વીજ કરંટમાં જીવ ગુમાવનાર યુવકની વિધવા માતાનું બેંક બેલેન્સ માત્ર 119 રૂપિયા, સેવાભાવી સંસ્થા વ્હારે આવી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણેશ પંડાલ બાંધતી વેળાએ વીજ કરંટ લાગતા બે યુવકોના મોત થયા હતા​​​​​​​

નડિયાદમાં ગણેશ પંડાલ બાંધતી વેળાએ બનેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ભુમેલના યુવાનની વિધવા માતા પાસે માત્ર 119 રૂપિયા બેન્ક બેલેન્સ છે. આટલી મોઘવારીમા કઈ રીતે આ પરિવાર બે છેડા ભેગા કરતો હશે તે આ બેન્ક બેલેન્સ પરથી જ અંદાજો લગાવી શકાય છે. એક બાજુ કમાવનાર જુવાનજોધ પુત્ર વિધવા માતાએ ગુમાવ્યો છે. તો બીજી બાજુ આર્થિક પરિસ્થિતિ પણ એટલી કંગાળ છે. આ ઘટનાથી ઘર ભાંગી પડ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે નડિયાદની જય માનવ સેવા પરિવારના સ્થાપકે માનવતા દાખવી યુવાનની લૌકિક ક્રિયાઓ પૂર્ણ થાય ત્યાં સુધી તમામ અનાજ, કરિયાણું પરિવારને વિના મૂલ્યે પહોંચાડવા નિર્ણય કર્યો છે.

પરિવારનો કમાવનાર પુત્ર હતો
નડિયાદ પશ્ચિમમાં ગીતાંજલિ વિસ્તારમાં ગણપતિ મહોત્સવની પૂર્વ તૈયારી કરતા સાર્વજનિક ગણપતી મહોત્સવના મંડપ ઉપર તાડપત્રી બાંધતી વખતે વીજ કરંટ લાગતા બે યુવાનોના મૃત્યુ થયા હતા. આ બન્ને મોતને ભેટેલા યુવાનની આર્થિક પરિસ્થિતિ ખૂબજ કંગાળ છે. મોતને ભેટેલો નડિયાદના ભુમેલ ગામનો 24 વર્ષિય જીતેન્દ્રભાઇ ગોરધનભાઇ તળપદા તો પોતાની વિધવા માતાનો અને પરિવારનો કમાવનાર દીકરો હતો. આ દુઃખદ ઘટના બાદ વિધવા માતાનો સહારો છીનવાઈ ગયો છે.

નિરાધાર પરિવારને યથાશક્તિ નાણાકીય સહાય આપી
યુવકની વિધવા માતા પાસે માત્ર 119 રૂપિયા બેન્ક બેલેન્સ છે. બહુ મુલ્ય દીકરો ગુમાવતા તળપદા પરિવાર બેબાકળો બન્યો છે. નડિયાદની જય માનવ સેવા પરિવારના સ્થાપક મનુભાઈ જોશી અને તેમની ટીમ જ્યારે મદદ કરવા પહોચી ત્યારે આ સમગ્ર હકીકત બહાર આવી હતી. માનવસેવામા કાર્યરત જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદના મનુ મહારાજ ટીમ સાથે ભુમેલ તળપદા વિસ્તારમાં રહેતા મૃતક યુવાન સ્વ.જીતેન્દ્રભાઈ તળપદાના નિવાસસ્થાને પહોચ્યાં હતા. જ્યા તેમના નિરાધાર પરિવારને યથાશક્તિ નાણાકીય સહાય આપી સાંત્વના પાઠવી હતી.

મૌન ધારણ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી
આ ઉપરાંત સ્વર્ગસ્થના આત્માને શાશ્વત શાંતિ માટે ઉપસ્થિત વિશાળ સમુદાય સાથે મૌન ધારણ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મૃતકના પરિવારને તેમના અંતિમ ક્રિયા સુધી એટલે કે બારમા, તેરમા સુધી તમામ જરૂરિયાત મુજબનું અનાજ કરિયાણું આ પરિવારને જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે. તેમ સંસ્થાના સ્થાપક મનુભાઈ જશીએ જણાવ્યું છે.

અન્ય વ્યક્તિઓ પણ મદદ કરે તેવી અપીલ
દુઃખની મુલાકાત વેળાએ સંસ્થાના મનુ મહારાજની સાથે ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ, દિલીપભાઈ ભટ્ટ, અરવિંદભાઈ મિસ્ત્રી તેમજ આકાશભાઈ ભાટી ઉપસ્થિત રહ્યા હતા. આજે મુલાકાત લઈ આવતિકાલે આ માટે અનાજ કરિયાણું પહોંચતું પણ કરી દેવાશે તેવું આયોજન પણ કરી દેવાયું છે. આમ આ સંસ્થાએ તો મદદનો હાથ લંબાવ્યો છે પણ અન્ય વ્યક્તિઓ પણ મદદ કરે તેવી આ સંસ્થાએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...