ન્યાય મેળવવા પીડીતાને વલખા:ડાકોરમાં યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી તબિબ હજુ પોલીસ પક્કડથી દૂર, આરોપીને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીડીતાએ ન્યાય માટે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી
  • આરોપીને આગોતરા જામીન અરજી રજૂ કરવા તપાસ એજન્સીએ સવલત પુરી પાડી હોવાના ગંભીર આક્ષેપો કરાયા

ખેડા જિલ્લામાં દુષ્કર્મના લાંછનરૂપ બનાવો એક પછી એક પ્રકાશમાં આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ ડાકોરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટે અહીયા ઈન્ટરશીપ કરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જેને લઈ ભારે ચકચાર મચી હતી. આ કેસમાં 25 દિવસ બાદ પણ પીડીતાને ન્યાય મળ્યો નથી. ગુનો દાખલ થયે 25 દિવસનો સમય થવા છતાં પણ પોલીસે આરોપી તબિબની ધરપકડ કરી નથી. સમગ્ર કેસમાં પોલીસ આરોપીને છાવરી રહી હોવાના આક્ષેપો સાથે આજે પીડીતાએ આરોપીની ધરપકડ કરવા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી અરજ કરી છે.
પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ઉજાગર થયો
યાત્રાધામ ડાકોરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટે તેનાથી અડધી ઉંમરની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આથી આ મામલે આ હવસખોર સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય કાન્તિભાઈ વાલા સામે ગત 7 જુલાઈના રોજ ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ડો. અજય વાલાએ અહીયા ઈન્ટરશીપ કરતી યુવતીને સરકારી નોકરીની લાલચ આપી અવારનવાર તેણીની મરજી વિરુદ્ધ જાતિય સંબંધ બાંધતો હતો. જેથી અન્યાયનો ભોગ બનેલી યુવતીએ હિંમતભેર પોતાના પરિવારજનોને વાત કરતા અને પોલીસમા ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો. પીડીત યુવતીએ હવસખોર સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય કાન્તિભાઈ વાલા સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ
​​​​​​​
પોલીસમાં ગુનો દાખલ થયે આજે 25 દિવસનો સમય વિત્યો છે. આમ છતાં પણ આ ગુનામાં પોલીસ આરોપીની ધરપકડ કરી રહી નથી. જેથી ન છૂટકે પીડીતા એ સોમવારે જિલ્લા પોલીસ વડાને આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, સમગ્ર કેસમાં આટલા બધા દિવસ વિતવા છતાં પણ પોલીસ આરોપીને કેમ ધરપકડ કરતી નથી. ક્યાંક પોલીસ પણ આરોપીને છાવરી રહી છે?
​​​​​​​કેસની સાચી દિશામાં અને દબાણ વિનાની તટસ્થ તપાસ થાય તેવી માગ
​​​​​​​
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, હાલ આવા સંજોગોમાં આરોપી બહાર હોવાથી અમારા કેસને નુકસાન પહોંચાડે તેમ છે, ઉપરાંત આરોપી પરોક્ષ રીતે અમારા આસપાસના માણસોને તેઓના માણસો મારફતે કેસમાં સમાધાન કરી દેવા માટે દબાણ કરી અને ધમકીઓ આપી રહ્યો છે. કેસમાં સજ્જડ પુરાવા હોવા છતાં પણ આરોપીની ધરપકડ કેમ કરવામાં આવતી નથી તેવો સવાલ પીડીતાએ કર્યા છે. તો આરોપીને આગોતરા જામીન અરજી રજૂ કરવા તપાસ એજન્સીએ સવલત પુરી પાડી હોવાના ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરાઈ છે. આરોપીની ધરપકડ કરવામાં આવે અને કેસને સાચી દિશામાં અને દબાણ વિનાની તટસ્થ તપાસ થાય તેવી માગ પીડિતાએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...