ખેડા જિલ્લા પંચાયતની ટર્મ માર્ચ મહિનામાં પૂરી થઈ રહી છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખે પોતાને મળેલી સત્તાની રૂએ ગૂરૂવારના રોજ વધુ એક સામાન્ય સભાનું આયોજન કર્યું હતું. જોકે આ સામાન્ય સભા કાર્યકારી સભાને બદલે આભાર સભા બની રહી હતી. અહીં સત્તા પક્ષ અને વિરોધ પક્ષના સભ્યોએ હળી મળીને પાંચ વર્ષ પસાર કર્યા તે બદલ એકબીજાનો આભાર માન્યો હતો. હાસ્યનું મોજુ તો ત્યારે ફરી વળ્યુ જ્યારે વિરોધ પક્ષના સભ્ય હરમાન સિંહે કોંગ્રેસના નેતાને ભાજપમાં લઈ જઈ ધારાસભ્ય બનાવવા બદલ ભાજપનો આભાર માન્યો હતો.
સભા શરૂ કરતા અધ્યક્ષ અને જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે પાંચ વર્ષમાં થયેલા વિકાસની વાતો, તેમજ વિરોધ પક્ષ દ્વારા મળેલ સહકારને લઈ તેમનો આભાર માન્યો હતો. અન્ય જિલ્લા પંચાયતોમાં સામાન્ય સભાઓ દરમિયાન ખુરશીઓ ઉછળવી અને સભ્યો વચ્ચે ઘર્ષણ થતું હોય છે. જ્યારે ખેડા જિલ્લા પંચાયતમાં વીતેલા પાંચ વર્ષ દરમિયાન વિરોધ પક્ષે જે યોગદાન આપ્યું તેના માટે પ્રમુખે તેમનો આભાર માન્યો હતો.
જોકે બીજી તરફ વિરોધ પક્ષે પણ સ્પોર્ટ્સમેન સ્પિરીટ દેખાડ્યો હતો. વિરોધ પક્ષના સભ્ય હરમાનસિંહ પરમારે પ્રમુખ દ્વારા પાંચ વર્ષના ગાળામાં આપવામાં આવેલ સહકાર, વિવિધ કમિટિના ચેરમેન દ્વારા આપવામાં આવેલ સહકાર અને જિલ્લા પંચાયતના અધિકારીઓ દ્વારા તેમના કામ કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. છેલ્લે તેઓએ ટોણો માર્યો હતો કે ભાજપ વાળા અમારા વિરોધ પક્ષના નેતા રાજેશ ઝાલાને લઈ ગયા, અને 4 જ મહિનામાં ધારાસભ્ય બનાવી દીધા તે માટે પણ ભાજપનો આભાર. અને આ સાથે જ સમગ્ર હોલમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.